સિદ્ધપુરમાં આર્થિક તંગીથી કંટાળેલા યુવકનો આપઘાત
સિધ્ધપુરમાં આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતાં અરેરાટી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે કે, આ યુવકે આર્થિક પરિસ્થિતિથી કંટાળી આ પગલુ ભર્યુ છે. આ તરફ મૃતકના પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ સિધ્ધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જીલ્લાના સિધ્ધપુરના અશોક સિનેમા પાસેની મંગલદિપ સોસાયટીમાં રહેતાં યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. સિધ્ધપુર અશોક સિનેમા પાસે આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા વાઘેલા મહેશભાઈ ગલાભાઈ જેઓ ટેલીફોન એક્શનમાંથી નિવૃત્ત થયા હતા. તેઓને ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો ૩૧ વર્ષીય પુત્ર વાઘેલા ચિરાગ જેણે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી કરી હતી અને છેલ્લા કેટલાક સમયથી નોકરીની શોધમાં હતો. સ્થાનિક ચર્ચાઓ મુજબ પરિવારની પણ આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી હતી. તો બીજી તરફ ચિરાગને નોકરી ન મળતાં તે હતાશ થઈ ગયો હતો.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ સ્થાનિક ચર્ચાઓ મુજબ આર્થિક પરિસ્થિતિને લઇ યુવકે આજે સાંજે પોતાના ઘરના મેડા ઉપર રૂમમાં છત પર રસ્તો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સિધ્ધપુર પોલીસને જાણ કરતા સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.