પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કેબલ નેટવર્કના માધ્યમથી ધોરણ ૦૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગનો નવતર પ્રયોગ

પાટણ
પાટણ

પાટણ : કોરોના વાયરસ મહામારીને નાથવા આપવામાં આવેલા લોકડાઉન બાદ અનલાૅકની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જરૂરી સાવચેતી સાથે ધંધા-રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને કોરોના વાયરસના ચેપના જોખમને ધ્યાનમાં રાખી શાળા-કોલેજમાં શિક્ષણકાર્ય સ્થગિત રાખવામાં આવ્યું છે. ત્યારે પાટણ ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો.
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસની દરકાર કરી કેબલ નેટવર્કના માધ્યમથી હોમ લર્નિંગનો આ નવતર અભિગમ અપનાવ્યો. પાટણના સ્થાનિક કેબલ સંચાલક સાંઈ કેબલ નેટવર્કની સમય ગુજરાત ચેનલ પર સવારે અને બપોરે એમ બે સ્લોટમાં જિલ્લાના વિવિધ વિષયોના અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ અંગે વાત કરતાં જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા જણાવે છે કે, શાળાઓ અને ટ્યુશન ક્લાસિસમાં શિક્ષણકાર્ય બંધ હોવાથી મુખ્ય વિષયોના શિક્ષણ માટે અમે આ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. જેના દ્વારા ઘરમાં જ સુરક્ષિત રહીને વિદ્યાર્થીઓ કોઈપણ જાતની ફી ચુકવ્યા વગર વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી રહ્યા છે. પાટણ ખાતે શરૂ કરવામાં આવેલી કેબલ ક્લાસરૂમની આ સુવિધાનો લાભ કેબલ નેટવર્ક જોડાણ ધરાવતા અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે.
સમય ગુજરાત ચેનલ પર હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત સવારે ૦૯ કલાકથી બપોરના ૧૨.૪૦ કલાક સુધી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને જ્યારે બપોરના ૦૩.૧૦ કલાકથી સાંજના ૦૫.૫૦ કલાક સુધી ધોરણ ૦૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. જિલ્લાની અનુદાનિત તથા સરકારી શાળાના અનુભવી શિક્ષકો દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને મેથ્સ, ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયો અંગે શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે ધોરણ ૦૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તથા સામાજીક વિજ્ઞાન વિષયો આવરી લેવામાં આવ્યા છે.
બિલીયાના પ્રકાસ વિદ્યાલયના ધો.૦૯ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી યુગ પ્રજાપતિ કહે છે કે, આ વર્ષે સ્કુલની સાથે સાથે ટ્યુશન ક્લાસિસ પણ બંધ હોવાથી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવા શું કરવું તેની ચિંતા થતી હતી. પણ હવે ટ્યુશનમાં શિખી શક્યો હતો એટલી સરળતાથી ઘરે જ ભણી રહ્યો છું. ટી.વી. પર આવતાં લેક્ચર અટેન્ડ કરીને જાતે જ મહાવરો કરૂ છું.
આજના સમયમાં ટેલિવિઝન સેટ અને સ્માર્ટ ફોન લગભગ દરેક પરિવારો પાસે ઉપલબ્ધ હોય છે. જેના થકી ઘરે બેસીને ટી.વી., યુટ્યુબ અને ફેસબુક લાઈવ જેવા માધ્યમોથી છેવાડાના વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી રહ્યા છે. પાટણ અને સિદ્ધપુર શહેર ઉપરાંત આ કેબલ નેટવર્ક આસપાસના જિલ્લાઓમાં પણ ફેલાયેલું હોઈ હિંમતનગર, મોડાસા, ઈડર, થરાદ, દેવગઢ બારિયા, ગીર તલાલા અને દ્વારકા જેવા તાલુકાના વિદ્યાર્થીઓ પણ આ કેબલ ક્લાસરૂમનો લાભ લઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.