સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે પાટણમાં સપાટો ઓનલાઇન સટ્ટો રમાડતા પાંચ આરોપીઓને પકડી 2.29 લાખના મુદ્દામાલ સાથે 12ને ઝડપ્યાં
પાટણની જીવરાજ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં ઓનલાઈન સટ્ટો રમાડતા પાંચ સટ્ટોડિયાઓને 2.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાં
પાટણ શહેરમાં કેનાલ રોડ ઉપર આવેલી જીવરાજ પાર્ક સોસાયટીમાં ગાંધીનગરથી સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે રેડ કરીને ઓનલાઈન એપ્લિકેશન મારફતે ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ સહિતની રમતો ઉપર ઓનલાઇન સટ્ટો રમાડતા પાંચ આરોપીઓને પકડી તેઓ પાસેથી 2.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 12 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલની પોલીસને બાદમી મળી હતી કે, પાટણ શહેરમાં કેનાલ રોડ ઉપર આવેલી જીવરાજ પાર્ક સોસાયટીમાં 81 નંબરના મકાનમાં રહેતા હરેશકુમાર ઉર્ફે જીગર કેશવલાલ ઠક્કર પોતાના ઘરમાં બહારથી ઈસમોને પગાર ઉપર પોતાના ઘરે બોલાવી ક્રિકેટ ટેનિસ અને ફૂટબોલ સહિતની રમતો ઉપર ઓનલાઇન સટ્ટાબેટિંગ રમાડે છે, જેથી પોલીસે બાતમીને આધારિત રેડ કરતા સ્થળ ઉપરથી હરેશકુમાર ઉર્ફે જીગર કેશવલાલ ઠક્કર, વાજીદ સલીમભાઈ શેખ, વિજય રસિકભાઈ ઠક્કર, પ્રતિક રતિભાઈ લીમ્બાચીયા અને વૈભવ પ્રકાશભાઈ ઠક્કર રંગે હાથ ઓનલાઇન સટ્ટાબેટિંગ રમતા અને રમાડતા પકડાઈ ગયા હતા.
પોલીસે તેઓની જડતી લેતા આરોપીઓ પાસેથી 13 નંગ મોબાઈલ, ત્રણ નંગ લેપટોપ, રાઉટર, ડીવીઆર અને રોકડ સહિત કુલ 2,29,500 નો મુદ્દા માલ જપ્ત કરી ઉપરોક્ત પાંચ આરોપીઓ સહિત ઓનલાઇન યુનિક 365 એપ રમનાર 504 ગ્રાહકો વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની તપાસ પી એસ આઇ પી એસ ગોસ્વામીને સોંપવામાં આવી છે.
Tags Cell Monitoring patan STATE