પાટણના શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા બહેનો માટે રાહતદરે બ્યુટી પાર્લર કૉર્સ શરૂ
પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વિવિધ સાહિત્યલક્ષી કાર્યક્રમો ઉપરાંત પાટણના યુવાનો, બહેનો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક તથા રોજગારલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.પાટણની જરૂરીયાતમંદ બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી તા.2/4/2024 થી તા.31/5/ 2024 એમ બે મહિનાનાં રાહતદરે બ્યુટીપાર્લરના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગોમાં નિકીતાબેન સચીનભાઇ લીંબાચીયાનાં માર્ગદર્શન હેઠળ દરરોજ બપોરે 2 થી 4 દરમ્યાન લાઈબ્રેરીમાં શીખવાડવામાં આવશે. જેમાં બેઝીક બ્યુટીપાર્લર, થ્રેડીંગ, વેકસીંગ, બ્લીચ, ડી.ટોન, ફેશીયલ, મેનીક્યોર, પેડીકયોર, હેરકટીંગ, મસાજ, હેર સ્ટાઈલ પધ્ધતિસર પ્રેકટીકલ સાથે શીખવાડવામાં આવશે. કુલ ૪૦ બહેનોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે.
આ ઉપરાંત લાઇબ્રેરી દ્વારા વેકેશનમાં વિદ્યાર્થીઓને રાહતદરે કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે હેતુથી તારીખ 8/4/2024 થી 7/5/2024 સુધી કોમ્પ્યુટરના વિવિધ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા બહેનોને શિસ્ત અને નિયમીતતા જાળવી આત્મનિર્ભર બનવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને લાઇબ્રેરીનાં કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સુનીલભાઈ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, અશ્વિનભાઈ નાયક, ટ્રેઈનર નીકીતાબેન લીંબાચીયા, ખજાનચી રાજેશભાઈ પરેખે બહેનોને જરૂરી સલાહ સૂચન આપ્યા હતા. લાઇબ્રેરી દ્વારા આ ત્રીજો કૉર્સ ચાલુ કરવામાં આવ્યો છે અગાઉ બે કૉર્સમાં શીખેલા બહેનોએ પોતાનો વ્યવસાય ચાલુ કરી દીધો છે.