પાટણ માર્કેટયાર્ડમાં મગફળીની આવકના શ્રી ગણેશ કરાયા : પ્રથમ દિવસે 442 બોરી ની આવક
પ્રથમ દિવસે હરાજીમાં રૂ. 900 થી 1255 નો ભાવ બોલાતા 442 બોરી ની આવક થઈ, માર્કેટ યાર્ડના હમાલોએ મગફળીની મજૂરીમાં ઘટાડો કર્યો તો માર્કેટયાર્ડ એ શેષમાં 50% ઘટાડો કર્યો
પાટણ માર્કેટયાર્ડ ખાતે સોમવારથી મગફળીની આવક શરૂ થતા ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતની ટીમે ઉપસ્થિત રહી મગફળીના વેચાણ માટે આવેલા ખેડૂતોને આવકારી મો મીઠું કરાવી મગફળીની હરાજી ના શ્રીગણેશ કરાવ્યા હતા. પ્રથમ દિવસે રૂપિયા 900 થી રૂપિયા 1255 સુધીનો મગફળીનો ભાવ બોલાતા 442 બોરીની મગફળીની આવક થઈ હતી.
પાટણ માર્કેટ યાર્ડ ખાતે પોતાના ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોને પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે એપીએમસી ના ચેરમેન સહિત સમગ્ર ટીમ સાથે માર્કેટ યાર્ડના વેપારીઓ પણ કટીબધ્ધ બની કાયૅ કરી રહ્યા છે.
પાટણ માર્કેટ યાર્ડમાં હમાલ તરીકે ફરજ બજાવતા ભાઈઓ દ્વારા પણ પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાના મગફળી ના ઉત્પાદન ને વેચાણ માટે લાવે અને તેઓને પોષણક્ષમ ભાવ મળે તે માટે મજૂરીના ભાવમાં ઘટાડો કરાયો છે.તો માર્કેટ કમિટી તરફથી પણ ખેડૂતો ના હિતમાં માર્કેટ શેષમાં 50℅ નો ધટાડો કરવામાં આવ્યો હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.