પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની ઉજવણી કરી

પાટણ
પાટણ

પાટણ શહેરના હેમચંદ્રયચાર્ય જ્ઞાન ભંડાર ખાતે લાભ પાંચમના દિવસે જૈન સમાજના લોકોએ જુના પૌરાણિક ગ્રંથો, પુસ્તકો અને સોનાના વરખની સહીથી લખાયેલી હસ્તપ્રતોના દર્શન-પૂજા કરી ધન્યતા અનુભવી હતી.પાટણમાં જૈન સમાજના લોકોએ વિવિધ ગ્રંથોનું પૂજન કરી વર્ષો જૂની પરંપરા જાળવી હતી. જૈન સમાજમાં જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લાભ પાંચમના દિવસે સમગ્ર જૈન ગ્રંથ ભંડારોમાં ગ્રંથોનું પૂજન કરવામાં આવે છે, ત્યારે લાભ પાંચમના દિવસે પંચાસર દેરાસર નજીક આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં સવારથી જ જૈન સમાજના લોકો જ્ઞાન ભંડારમાં સચવાયેલા વિવિધ ગ્રંથોનું પૂજન કરવા આવ્યા હતા અને ભક્તિભાવપૂર્વક આ અમૂલ્ય ગ્રંથોની પૂજા-અર્ચના કરી વર્ષોની પરંપરા જાળવી હતી.


પાટણ શહેરના પંચાસર દેરાસર વિસ્તારમાં આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ, 1939માં તત્કાલિન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી. મુનિ પુણ્યવિજયજી મહારાજના ભગીરથ પ્રયાસોથી પાટણના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરી વિવિધ ગ્રંથો આ જ્ઞાન ભંડારમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતા. જૈન જ્ઞાન ભંડારમાં જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના અને આયુર્વેદના મળી કુલ 26 હજાર હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે. જેમાં 25 હજાર કાગળ પર લખેલા, એક હજારથી વધુ તાડપત્રો પર લખેલા અને બે દુર્લભ હસ્તપ્રતો આ જ્ઞાન ભંડારમાં સચવાયેલી છે. આ જ્ઞાન ભંડારમાં 26000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે. જ્ઞાન જારવાની વિધિ પાટણમાં જૈનોએ પરંપરાગત રીતે કરી હતી. ખાસ કરીને બાળકો જોડે પણ જૂના ગ્રંથોની પૂજા કરાવી હતી. જેથી કરીને આ સંસ્કૃતિ જળવાઈ રહે. આમ વર્ષો જૂની પરંપરા જૈન લોકોએ આજે પણ અકબંધ રાખી છે.ગુજરાતમાં સોલંકી કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર ‘સિદ્ધહેમ’ વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી રહી છે. હિન્દુ સંસ્કૃતિમાં કારતક સુદ પાંચમને લાભ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે જૈન સમાજ આ દિવસને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે. આ દિવસે જૈન સમાજના લોકો જુના ગ્રંથોની પૂજા કરે છે, ત્યારે આજે પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારને આજના દિવસ માટે ખાસ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જ્યાં સૌ જૈન ભાઈ-બહેનોએ પૌરાણિક ગ્રંથો, પુસ્તકો, સોનાના વરખની સહીથી લખાયેલી હસ્તપ્રતોની પૂજા કરી વર્ષો જૂની પરંપરાને જાળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.