પાટણમાં જિલ્લા પંચાયતના સાંકડા માર્ગ પર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન

પાટણ
પાટણ

પાટણ શહેરના કલેકટર કચેરીથી જિલ્લા પંચાયત થઈ યુનિવર્સિટીના ગાંધીસ્મૃતિ હોલ સુધીના સાંકડા અને ઉબડ-ખાબડ માર્ગ પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહયા છે. અહીં દિવસભર વાહનોની સતત અવરજવર રહેતી હોઈ તાકીદે ડાયવર્ઝનવાળા આ માર્ગને સરખો કરવા જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરાય તે ખૂબ જરૂરી છે.પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રચાયું છે અને હળવો વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાંજે આઠ વાગ્યાથી ગુરુવારે સાંજે આઠ વાગ્યા સુધીમાં પાટણમાં કુલ 35 મિલીમીટર વરસાદ થયો હતો, જે સામાન્ય ગણાય છતાં શહેરના અનેક વિસ્તારોમાં અવર- જવરના માર્ગો પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા.પાટણમાં જિલ્લા કલેકટર કચેરીથી રેલવે ફાટક તરફના ભાગે જ્યાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેની બાજુના સાંકડા સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં પાણીના ખાબોચીયા ભરાતા હોઈ નાના વાહન ચાલકો ને પરેશાન થવું પડે છે અને લાંબા સમય સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળે છે. આટલું જ નહીં આ મુખ્ય માર્ગ પર રાહદારીઓને ચાલતા જવા આવવા માટે અન્ય કોઈ જ વિકલ્પ કે રસ્તો ન હોવાના કારણે આ સાંકડા માર્ગ પરથી પસાર થવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોને પાણી ભરાયેલા ખાબોચિયામાં થઈને પસાર થવાની ફરજ પડી હતી અને તેના કારણે લોકોના કપડા ગંદા થવાની મુસીબત સર્જાઈ હતી.અહીં આ માર્ગ વરસાદની ઋતુને લઈને રોજેરોજ વાહનોની લાંબી લાઈનો લાગે છે અને ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે તેમાં 108 કે અન્ય એમ્બ્યુલન્સને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું જોવા મળી રહ્યું છે. અહીં રેલ્વે ફાટકથી જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરી સુધીના બંને બાજુના સાંકડા માર્ગ પર ડામર પાથરીને રોડ સરખો કરવા તાત્કાલિક પગલા ભરાય તેવી વ્યાપક લોક માંગ છે. આ બાબતે બ્રિજ બનાવતી એજન્સી, માર્ગ મકાન વિભાગ અને પાટણ નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય પગલા ભરે તેવી વ્યાપક લોક માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.