દેવ દિવાળીની પવિત્ર રાત્રે પાટણનું જગન્નાથ મંદિર ૧૦૦૮ દીપક ની જ્યોતથી ઝળહળી ઉઠ્યું
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોને ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મંગળવારને દેવદિવાળી ના પવિત્ર દિવસે પાટણના જગન્નાથ મંદિર પરિસરને ૧૦૦૮ દીવા ની જ્યોતથી ઝળહળતું બનાવવામાં આવ્યું હતું.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે સાંજે મહા આરતી બાદ સમગ્ર મંદિર પરિસરમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા 1008 દીવા પ્રજ્વલિત કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર દીવાની જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું.
તો મંદિર પરિસર ખાતે પ્રગટાવવામાં આવેલા 1008 દીપોની જ્યોતિ ની જેમ દરેક વ્યક્તિના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ ની જયોત પ્રજલવિત થાય તેવા શુભ આશય સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથ સન્મુખ પ્રાર્થના વ્યક્ત કરી લોકોનું જીવન પણ પ્રકાશમય બને તે માટે સનાતન ધર્મની હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરા ના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કરી આ ધાર્મિક ઉત્સવની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
પાટણનું જગન્નાથ મંદિર સંસ્કૃતિના ઉત્થાન અને સંસ્થાપના માટે સદાય અગ્રેસર રહ્યું છે. ત્યારે દેવ દિવાળી નિમિત્તે ભગવાનના સાનિધ્યમાં પ્રકાશિત કરવામાં આવેલ આ દીપ જ્યોતિના દર્શન માટે મોટી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.