પાટણઃ શહેર અને ગ્રામ્યમાં ૨ દર્દી વધ્યા, સંક્રમણનો ફેલાવો બેફામ
પાટણમાં આજે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા ૨ દર્દી ઉમેરાયા છે. આજે પાટણ શહેર અને બાલીસણા ગામે કોરોનાનો નવા બે કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો બેફામ બનતો હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે આવેલા કેસોને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા ૨ કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરના અંબાજી નેળીયાંમાં આવેલા જગન્નાથ બંગ્લોઝમાં ૬૦ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ પાટણ તાલુકાના બાલીસણા ગામે પણ ૪૮ વર્ષિય પુરૂષને કોરોનાના લક્ષણ દેખાતા રીપોર્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અનલોક-૧માં અપાયેલી છુટ અને ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. જો આગામી સમયે અનલોક-૨ માં વધુ છૂટછાટ અપાશે તો તે ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે. પાટણ જીલ્લામાં આજે નોંધાયેલા ૨ કેસો સહિત અત્યાર સુધી કોરોના પોઝિટીવ કેસનો આંકડો ૧૬૮ પહોંચ્યો છે. આ સાથે અત્યાર સુધી ૨૧ લોકો કોરોના સામે જંગ હારી જતાં તેમનું મૃત્યુ થયુ છે.