પાટણ શહેરની રાણીનીવાવની મુલાકાતે વડાપ્રધાન અને વિદેશી મહેમાનોની મુલાકાતને લઇ પાલિકાએ કામગીરી હાથ ધરી
પાટણ શહેરની રાણીનીવાવની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.એન.ના વડા તથા અન્ય વિદેશી મહેમાનોની સૂચિત મુલાકાતોને લઈને પાટણનાં વહિવટીતંત્રની સુચનાનાં ભાગરુપે પાટણ નગરપાલિકાએ તેની હદમાં આવતાં વિસ્તારોમાં ખાસ કરીને હારીજ ત્રણ રસ્તાથી મોતીશા ગેટ થઇને જીમખાના તરફથી રાણીની વાવ તરફ જતાં હેરીટેજ રોડ ઉપરની સફાઈ રોડ રસ્તાની મરામત અને અન્ય સુશોભનની કામગીરી હાથ કરી છે અને પી.એમ. સહિત વિદેશી મહેમાનોને આવકારવા અને પાટણની સારી છાપ લઈને જાય તે માટે શહેરનાં રોડ રસ્તાની સફાઈ અને સુઘડતા દિપાવવામાં આવી રહી છે. આ કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે ઉપર અને નગરપાલિકાની હદમાં પાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.
આ કામગીરી તાકીદની કરવાની હોવાથી પાટણ નગરપાલિકાએ આ કામગીરી માટેનાં ખર્ચ માટે પ્રોરાટા ગ્રાન્ટમાંથી રૂા. 34.31 લાખની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટ ફાળવણી મંજુર કરવા માટે તાકિદનું કામ હોવાથી પાટણ નગરપાલિકાનાં તમામ 44 સુધરાઇ સભ્યો દ્વારા સરક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવ્યાનુસાર જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવનાર હોવાથી તેમાં વડાપ્રધાન અને યુ.એન. વડા પાટણ અને મોઢેરાની મુલાકાત લેનાર હોવાથી આ કાર્યક્રમ અંતર્ગત પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં માર્ગોની સ્થિતિ યોગ્ય રીતે જળવાય તે માટે પાટણમાં માર્ગ મકાન વિભાગે નગરપાલિકાને લખેલા પત્રને ધ્યાને લઇને રાણીનીવાવ તરફનાં માર્ગે જવા માટે મોતીશા દરવાજા બહાર આવેલ ખોડીયાર નગરનાં નાકેથી નગરપાલિકા કચેરીની પાછળનાં ભાગે થઇ રંગીલા હનુમાનથી કાળકા મંદિર થઇ રાણીનીવાવ સુધીનો હયાત રોડ દુરસ્ત કરવો જરુરી બને છે.
જે કામગીરી તાકિદે અને પ્રસંગને અનુરુપ કરવી અત્યંત જરૂરી હોવાથી આ કામગીરી માટે પાટણ નગરપાલિકામાં ડામરથી પેચવર્ક કરવા માટેનું ટેન્ડર પાટણની એક એજન્સીના નામે મંજુર થયું હતું. આ કામ તાકીદે કરવાનું હોવાથી સરકાર દ્વારા નગરપાલિકાને મળેલ વ્યવસાયવેરા (50ટકા) વર્ષ 2023-24ની પ્રોરેટા ગ્રાન્ટ રૂા. 34.31લાખ ફાળવેલ છે. તે ગ્રાન્ટમાંથી આ માર્ગની ડામર રોડની કામગીરી કરવાની મંજુરી મેળવવાની થાય છે. આ કામગીરી તાકીદે કરવાની હોવાથી માન્ય એજન્સી પાસે ઉપરોક્ત ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવે તે માટે સભ્યોનાં મંતવ્યો લેવાયા હતા. જેના માટે સરક્યુલર ઠરાવ કરાયો હતો.
Tags Banaskantha Gujarat mehsana patan