પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી,મારો દેશ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પાટણ શહેરમાં તાલુકા પંચાયત ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લાના 9 તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, અને સાંતલપુરની તાલુકાપંચાયત કચેરી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.પાટણ તાલુકા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ શિલાફલકમનું અનાવરણ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મહાનુભાવોએ દીવો હાથમાં લઈને તેમજ લોકોએ માટી હાથમાં લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. વસુધા વંદન અંતર્ગત તાલુકા પંચાયત કચેરી પાટણ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. મહાનુભાવોએ સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી પણ લીધી હતી.આ કાર્યક્રમમાં પાટણ તાલુકાના સબોસણ ગામનાં શહીદવીર વાલજીભાઈ મણીલાલ પ્રજાપતીના પરીવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ પૂર્વ સૈનિક અને હાલમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પાટણનાં નવીનભાઈ મોહનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં સન્માન બાદ ધ્વજવવંદન કરીને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પાટણ શહેરની તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજીત તાલુકા કક્ષાના મારી માટી,મારો દેશ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અરવિદ વિજયન, પ્રાંત અધિકારી પાટણ મિતુલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ, તેમજ સભ્યો, અને તમામ સમિતીઓનાં ચેરમેન, તાલુકા પંચાયત કચેરીના વિવિધ અધિકારીઓ, આગેવાનો, પદાધિકારીઓ, શિક્ષકો, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.