![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/05-8.jpg)
પાટણ જિલ્લામાં પંચાયત બિલ્ડીંગના પાછળના ભાગે ઝાડના કારણે જીવંત વીજ વાયર તૂટી પડ્યો: 3 ગાયો મોતને ભેટી
પાટણ વરસાદ દરમિયાન જિલ્લા પંચાયત બિલ્ડીંગ કેમ્પસમાં પાછળના ભાગે સવારના સમયે ઝાડના ડાળીના કારણે લાઇટનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો જેથી કરંટ લાગતા ત્રણ ગાયોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કેમ્પસમાં આવેલ એક ઊંચા ઝાડનું મોટું ડાળું તૂટી પડતાં તેના કારણે વીજળીનો સિમેન્ટનો થાંભલો પણ મૂળમાંથી તૂટી ગયો હતો.
વીજ કરંટ લાગવાથી ગાયોના મોત થયા અંગેની જાણ થતા જ તાબડતોબ ઘટના સ્થળે યુજીવીસીએલની ટીમ આવી પહોંચી હતી અને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ ગાયોના મૃતદેહનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા પંચાયત કેમ્પસમાં બિલ્ડીંગના પાછળના ભાગમાં વીજળીનો વાયર પડવાના કારણે કરંટ લાગવાથી ત્રણ ગાયોના મૃત્યુ નીપજયા હતા. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખના પીએ હર્ષદ સોલંકીને જાણ થતા તેમણે તાત્કાલિક યુજીવીસીએલના પાટણ સિટીના ડેપ્યુટી એન્જિનિયર જે.પી. પટેલ ને જાણ કરી હતી. વીજ તંત્રને જાણ થતા નાયબ ઇજનેર અને તેમના ટેકનિકલ સ્ટાફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તૂટેલો વાયર સાંધીને પાવર સપ્લાય ચાલુ કરવા પગલાં શરૂ કર્યા હતા. જોકે, આ દરમિયાન જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના વચ્ચેના ભાગમાં આવેલ દિવાલ પાસે ઉભેલું અરડુસાનું એક ઊંચું અને જૂનું સુકાઈ ગયેલું ઝાડ જોખમી જણાતા અગમચેતીના પગલાંરૂપે વીજ તંત્ર દ્વારા રસ્સો બાંધીને આ ઝાડ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તે ઝાડ નીચેના ભાગેથી જ બટકાઈને જિલ્લા પંચાયત તરફના ભાગે તૂટી પડ્યું હતું જેના કારણે થાંભલા પરના વીજળીના વાયરો પર તૂટી પડ્યા હતા અને સિમેન્ટનો વીજળીનો થાંભલો પણ નીચેના ભાગેથી તૂટી ગયો હતો.