રાધનપુર તાલુકાના કામલપુરની ઈઝરાયેલી ખારેક લંડન,દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે

પાટણ
પાટણ

રાધનપુર તાલુકાના કામલપુરના પ્રગતિશીલ ખેડૂત દ્વારા 2013માં કચ્છના એગ્રો સેલના ટીસ્યુ ક્લચરના ઈઝરાયેલી ખારેકના રોપા લાવીને વાવણી કરવામાં આવી હતી,જે આજે એક છોડ દીઠ અઢીસો કિલો ખારેકનું ઉત્પાદન આપી રહ્યા છે.આ વર્ષે કામલપુરની ઈઝરાયેલી ખારેક લંડન,દુબઇ અને માલદિવ જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.આ ઈઝરાયેલી ખારેક સાંઈઠ વર્ષ સુધી ઉત્પાદન આપે છે.

કામલપુરના પ્રગતિશીલ ખેડૂત ગણેશભાઈ ચૌધરી અને પિયુષભાઇ ચૌધરી દ્વારા 2013માં ઈઝરાયેલી ખારેકના 645 રોપા લાવીને વાવેતર કરવામાં આવ્યું હતું,બીજા વર્ષે 355 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.હાલમાં એક હજાર જેટલાં ખારેકના ઝાડ ઉપર ઈઝરાયેલી ખારેકનું ઉત્પાદન થઇ રહ્યું છે.કામલપુરમાં ખારેકની ખેતીની સફળતા જોઈને હાલમાં પંથકમાં ખેડૂતો દ્વારા દસ હજાર જેટલાં ઈઝરાયેલી ખારેકના ઝાડ તૈયાર કરવામાં આવ્યા છે.ખારેકની ખેતી થયાં બાદ પર્યાવરણમાં પણ સુધારો થયો છે અને અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે.

ખારેકની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે,જેમાં કોઈપણ રાસાયણિક ખાતરની ઉપયોગ કરવામાં આવતો નથી.આ વખતે એક હજાર ઝાડ ઉપરથી અઢીસો ટન ખારેકનું ઉત્પાદન મળવાની સંભાવનાઓ છે.ખારેકની ખેતી એવી છે કે જેમાં કોઈપણ ચીજનો બગાડ થતો નથી.તેના થડામાંથી સાવરણી બને છે.નીચે ખરી ગયેલી ખારેક પશુઓના આહારમાં કામ આવે છે.તેના ફડામાંથી ઉત્તમ કક્ષાનું કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે.

કામલપુરના ખેડૂત પિયુષભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ ખારેકની ખેતી 60 વર્ષ સુધી આવક રળી આપે છે.વાવણી બાદ પાંચમા વર્ષે ખારેકનું ઉત્પાદન મળે છે.નવમા વર્ષથી ચોત્રીસમાં વર્ષ સુધી ભરપૂર ઉત્પાદન મળે છે.પચ્ચીસ વર્ષ સુધી એક છોડ ત્રણસો કિલો ઉત્પાદન આપે છે.ચોત્રીસથી 60માંં વર્ષ સુધી ધીમે-ધીમે ઉત્પાદન ઘટે છે.

કામલપુરના પ્રગતિશીલ ખેડૂત ગણેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ બે-ત્રણ વર્ષ પહેલાં કામલપુરની ખારેક મલેશિયા અને બાંગ્લાદેશ એક્સપોર્ટ કરી હતી,પરંતુ કોરોના આવતાં એક્સપોર્ટ થઇ શકી નહોતી.આ વર્ષે લંડન,દુબઇ અને માલદિવ જેવા દેશોના ખારેક એક્સપોર્ટ કરાઈ રહી છે.દુબઇ અને લંડન પહોંચી ગઈ છે અને માલદિવ માટે પેકીંગ થઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.