સાંતલપુર તાલુકામાં રંગલા-રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું

પાટણ
પાટણ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે. તેથી 100 ટકા મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નો કરી રહ્યું છે. આ પ્રયત્નોના ભાગરૂપે સ્વીપ પ્રવૃતિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે આઈસીડીએસ વિભાગ દ્વારા સાંતલપુર અને રાધનપુર વિસ્તારના ગામોમાં ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંપરાગત માધ્યમો એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. એમાંય ભવાઈના રંગલો-રંગલી પાત્રો ઈતિહાસમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોખરે છે. પહેલાનાં સમયમાં લોકડાયરા, કથાકિર્તન, ભવાઈ દ્વારા લોકોનું મનોરંજન થતુ હતુ. એ સમયના રંગલો અને રંગલીના પાત્રો એટલા બધા પ્રખ્યાત હતા કે આજે પણ આ પાત્રોને લોકો યાદ કરે છે. રંગલો અને રંગલીના આ રમુજી પાત્ર રમુજની સાથે સારો બોધ પણ આપે છે. તેથી જ આઈસીડીએસ વિભાગ દ્વારા ભવાઈ મારફતે લોકોને રમુજની સાથે મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે પ્રરીત કરાયા હતા.


પાટણ જિલ્લાના રાધનપુરનું અગીચાણા ગામ, રાધનપુર (શહેર) અને સાંતલપુરમાં કિશોરીઓ દ્વારા શેરી વિસ્તારોમાં ભવાઈ કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામ અને શહેરમાં મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.આમ આ રીતે જિલ્લાભરમાં ‘સ્વીપ’પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 એ લોકશાહીનો અવસર છે. આ અવસરમાં સૌ કોઈ પોતાનો કિંમતી મત આપીને સહભાગી થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.