પાટણમાં દશેરાને લઈ ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈનો લાગી
પાટણ શહેરમાં દશેરાના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવાયેલા 70થી વધુ ફાફડા-જલેબીના સ્ટોલ ઉપર ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી અને લોકોએ હોંશે-હોંશે ફાફડા જલેબીની ખરીદી કરી હતી. તો મોંઘવારીને લઈને લોકોને ફાફડા જલેબીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા જેટલો વધારે ભાવ ચૂકવવો પડ્યો હતો.
પાટણ શહેરમાં નવલા નોરતાની પુર્ણાહુતી બાદ નોરતાનો દસમો દિવસ એટલે આસુરી શક્તિ પર સત્યના વિજય સમા પર્વ એવા દશેરા પર્વ જેને વિજયા દશમી તરીકે પણ માનવવામાં આવે છે. આજે શહેરમાં વિજયાદશમી પર્વની ધૂમ ધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દશેરા પર્વના દિવસે ફાફડા,જલેબી, ચોળાફળી ખાવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે પાટણ શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં 70થી 80 જેટલા ફાફડા-જલેબીના સ્ટોલ ગોઠવાઈ ગયા હતા. જ્યાં વેપારીઓએ વહેલી સવારથીજ ગરમાગરમ ફાફડા ,જલેબીનું વેચાણ દુકાનો અને લારીઓમાં શરૂ કરી દીધું હતું. ત્યારે સવારથી જ શહેરમાં ચટાકેદાર ફાફડા અને રસથી તરબોળ જલેબી લેવા માટે લોકોની લાઈન લાગી હતી.
શહેરમાં વર્ષોથી મીઠાઈ, ફરસાણ માટે જાણીતી સંસ્થા આનંદ ગૃહ અને પ્રવીણ મીઠાઈ ઘર ખાતે ફાફડા-જલેબી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી .ત્યારે આજે પાટણવાસીઓ એક જ દિવસમાં 12થી 15 લાખ રૂપિયાના ફાફડા આરોગી જશે તેવો વ્યાપારીઓનો અંદાજ છે.
મોંઘવારીના કારણે આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. શુદ્ધ ઘીની જલેબીના એક કિલોના ભાવ રૂ 640 અને ફાફડાના રૂ 440 ભાવે વેચાણ થઈ રહ્યું હતું. ત્યારે તેલની જલેબીનો એક કિલોનો ભાવ રૂપિયા 200 રહેવા પામ્યો હતો. લોકોએ હોંશે-હોંશે ફાફડા ,જલેબી અને ચોલાફળીની ખરીદી કરીને તેની લિજ્જત મણી હતી.