સિધ્ધપુરના પાંચ ભૂદેવ યુવકોને અમેરિકામાં પૂજારીની નોકરી અપાવવાની લાલચ આપી શખ્સે રૂ.15 લાખ ખંખેરી લીધા
બનાવવાની સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં છેતરપિંડી કરનાર શખ્સ ને ઝડપી લેવાયો
સિદ્ધપુરના પાંચ ભૂદેવ યુવકોને અમેરિકામાં પૂજારીની નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદના શખ્સે રૂ.15 લાખ પડાવી છેતરપિંડી આચરી હોવાની સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં છેતરપિંડી કરનાર અમદાવાદના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
બનાવવાની મળતી હકીકત મુજબ સિધ્ધપુરના પાંચ બ્રાહ્મણ યુવકોને અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે નોકરી મેળવી આપી માસિક 5000 ડોલર કમાવાની લાલચ આપી રૂ. 15 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરતાં ભોગ બનનાર યુવકે સિધ્ધપુર પોલીસ મથકમાં અમદાવાદના શૈલેષ ગિરીશચંદ્ર ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુર પોલીસ મથકમાં હરસિધ્ધિ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા નિખિલભાઇ હરેશચંદ્ર ઠાકર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના મંદિરમાં દર પૂનમે અમદાવાદના શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી દર્શન કરવા આવતા હતા. જેથી તેમનો પરિચય થયો હતો. બાદમાં શૈલેષ ત્રિવેદીએ અમેરિકાના શિકાગો અને એટલાન્ટામાં મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરવી હોય તો સિદ્ધપુરના છ થી આઠ યુવકોની જરૂરિયાત હોવાની વાત કરી પૂજારી તરીકે નોકરીના બદલામાં 5,000 ડોલર માસિક પગાર અને તેની સાથે સાથે રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય સેવાઓ અને વિમાની પણ સુવિધા મળવાની લાલચ આપતા હરસિધ્ધિ માતાજીના મંદિરના પૂજારી નિખિલભાઇ ઠાકર અને તેમના અન્ય ચાર મિત્રોએ મળી પ્રતિ વ્યક્તિ 3 લાખ રૂપિયા મળી કુલ રૂ. 15 લાખ શૈલેષભાઈ ગિરિશચંદ્ર ત્રિવેદીને આપ્યા હતા.
પરંતુ ઘણો સમય વિતવા છતાં અમેરિકાના વિઝા કે સ્પોન્સર લેટર ના આવતા આખરે યુવકોને તેઓ પોતે છેતરાયા હોવાની જાણ થતા સિધ્ધપુર પોલીસ મથકમાં તેઓએ ફરિયાદ આપી હતી. જેથી પોલીસે શૈલેષભાઈ ગીરીચંદ્ર નાથાલાલ ત્રિવેદી રહે 698 કોઠારી પોળ,ગાંધી રોડ,અમદાવાદ વાળા વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તેઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હોવાનું સિધ્ધપુર પીઆઇ જે.બી આચાર્ય એ જણાવ્યું હતું.
Tags 15 lakhs Five Bhudev Siddhpur