પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી અને કેનાલની અસહ્ય ગંદકીને લઇ રોગચાળો ફેલાવવાની ભીતી
પાલિકાના સતાધીશોની અણ આવડતના કારણે વિકાસ કામોની વણ વપરાયેલી ગ્રાંટો સરકારમાં પરત કરવી પડે તેવી પરિસ્થિતિ નું નિમૉણ: પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે પાટણના નગરજનો પ્રાથમિક સુવિધાઓના મામલે પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
એક તરફ સરકાર દ્વારા પાટણ શહેરને વિકાસશીલ બનાવવા નગરપાલિકા ને માંગ્યા મુજબની કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવી રહી છે. પરંતુ પાલિકા સત્તાધીશોની અંદરો અંદરની હુસાતુસી અને અણ આવડતના કારણે કેટલીક વિકાસલક્ષી કામોની ગ્રાન્ટો વણવપરાયેલ સરકારમાં પરત કરવાની પાલિકા ને ફરજ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા ફોટો સેશન રૂપી કામગીરી કરતા પાલિકાના સત્તાધીશો સાચા અર્થમાં પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરીજનોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં વામણા સાબિત થયા છે. ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન ની કામગીરી પાછળ તેમજ સ્વચ્છતાના નામે કરાતા મોટા ખર્ચાઓ છતાં શહેરના વિસ્તારોમાં સામાન્ય વરસાદ મા ભરાતા વરસાદી પાણી અને ઠેર ઠેર જોવા મળતાં ગંદકી ના ઢગ પાલિકાના સત્તાધીશોની ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ કેનાલની ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન ની કરાયેલી કામગીરી ફકત કાગળ પર કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિ આજે નજરે પડી રહી છે. કેનાલમાં ફેલાયેલી અસહ્ય ગંદકી સાથે શ્ર્વાનોના રઝળતા મૃતદેહો, ભૂંડો અને રખડતાં ઢોરો ના કારણે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિસ્તારના રહીશોને અસહ્ય દુર્ગંધ અને પારાવાર મુશ્કેલીઓના સામના સાથે પસાર થવાની ફરજ પડી રહી છે.
તો કેનાલમાં ખદબદતી ગંદકી ને કારણે લોકો મા રોગચાળો ફેલાવવાની ભીતી પણ ઉભી થવા પામી હોય પાલિકાના સત્તાધિશો પોતાની અંદરો અંદરની હુસાતુસી બાજુ પર મૂકી સાચા અર્થમાં પાટણના વિકાસની સાથે સાથે પાટણના નગરજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા પ્રયત્નશીલ બને તેવી શહેરીજનોમાં માંગ પ્રબળ બની છે.
Tags patan rain unbearable WATER