પાટણ: ગઇકાલે વિરામ બાદ આજે 3 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ
કોરોના મહામારી વચ્ચે આજે પાટણમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક અને પાટણ શહેરમાં બે મળી નવા ત્રણ કેસ આવ્યા છે. પાટણમાં ગઇકાલે વિરામ બાદ આજે ત્રણ આવતા આરોગ્ય તંત્રએ કોરોના સંક્રમણની ચેન તોડવા કવાયત હાથ ધરી છે. આજે નવા ત્રણ કેસ આવતા પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવનો આંકડો 154 પર પહોંચ્યો છે. આજના દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરના શુકન બંગલોઝની 60 વર્ષની વૃધ્ધા અને પાટણ શહેરના પારેવા સર્કલ પાસેની આસોપાલવ સોસાયટીના ૫૯ વર્ષીય પુરૂષ નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે રાધનપુરના સીનાડ ગામની 30 વર્ષની યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તમામને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
પાટણ શહેરમાં સ્થાનિક સંક્રામણ બેકાબૂ બનતા દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. ગઇકાલે રથયાત્રાના દિવસે એકપણ કેસ નહિ આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આજે પાટણ શહેરમાં નવા બે કેસ આવતાં ફરી સંક્રમણ બેફામ બન્યુ હોવાનું સિધ્ધ થયુ છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 154 કેસ આવવાની સાથે કુલ 20 લોકોના મોત થયા છે.