સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ભારે પડી દબંગાઈ, પોલીસે કરી લાલ આંખ
રખેવાળ, સિદ્ધપુર
કોરોનાની મહામારીના કારણે હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકાડાઉનનું પાલન કરાવવું પોલીસ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. તેમાં પણ રોફ જમાવવા માટે પંકાયેલા રાજકારણીઓ પર કંટ્રોલ કરવાનું પોલીસ માટે અઘરું છે. આજે સિદ્ધપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટીઆરબી જવાન સાથે દાદાગીરી કરી હતી અને ગાળો ભાંડી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બેચરાજી ચેકપોસ્ટ પાસે TRBના જવાને ગાડી રોકતા કોંગ્રેસના ધારાસભ્ય એવા ચંદનજી ઠાકોરે TRBના જવાન સાથે ઉગ્ર બોલાચાલી સાથે બીભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કડક વલણ અપનાવી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ કરવા મહેસાણા એસપીને આદેશ કર્યો હતો. ત્યાર બાદ મહેસાણા એસપીના આદેશને પગલે પોલીસે ચંદનજી ઠાકોર સામે જાહેરનામાના ભંગ, પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉન ભંગની ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં TRB જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તનનાં ટીવી -સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુઃખ થાય. જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરિયર્સનું અપમાન છે. પોતાની ફરજ બજાવતાં TRB જવાન સામે કોંગ્રેસનાં ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બીભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય અને નિંદનીય છે.