પાટણની સુજનીપુર સબજેલ ખાતે અર્બુદા સેનાનું સામૂહિક જેલભરો આંદોલન
પાટણ સુજનીપુર સબજેલ ખાતે ગુજરાત પ્રદેશ અર્બુદા સેના દ્વારા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જેલમુકત કરવાની માંગ સાથે સામૂહિક જેલભરો આંદોલન યોજાયો હતો. જો કે મોટીસંખ્યામાં તૈનાત પોલીસ કાફલાએ અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી જેલ ભરો આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને આંજણા ચૌધરી સમાજના આગેવાન વિપુલ ચૌધરીની રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જેને લઇ સમગ્ર ચૌધરી સમાજ અને પશુપાલકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે અર્બુદાસેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં આદોલન શરુ કરવામાં આવ્યા છે જેમાં વિવિધ આંદોલનો કરી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જે અનુસંધાને આજે સુજનીપુર સબજેલ ખાતે સામૂહિક જેલ ભરોનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેને પગલે જિલ્લાની પોલીસ સવારથી જ એકશન મોડમાં આવી ગઇ હતી અને સુજનીપુર જેલ તરફ જવાના માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે પાટણ પંથકના ચૌધરી સમાજના બહુમતી ધરાવતા ગામોના માર્ગો પર પણ પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં અર્બુદા સેનાના કાર્યકરો પોલીસનો પહેરો તોડી સુજનીપુર સબજેલ ખાતે આવી પહોંચ્યા હતા જયાં એલસીબી-એસઓજી સહિતના પોલીસ કાફલાએ અર્બુદા સેનાના કાર્યકરોને જેલ ભરો આંદોલન કરતા અટકાવ્યા હતા તેમ છતાં કેટલાક કાર્યકરોએ જેલ તરફ દોટ મુકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે રોડ પર જ પડદાવ જેવા દશ્યો સર્જાયા હતા અને આખરે પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી સરસ્વતી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.