પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં પાટણમાં અર્બુદા સેના મેદાને, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાટણ
પાટણ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ગઈકાલ રાત્રીએ કરવામાં આવેલી ધરપકડના મામલે ચૌધરી સમાજ સહિત અર્બુદા સેનાના કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે પાટણ જિલ્લા અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

આ બાબતે પાટણ જિલ્લા અર્બુદા સેના દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ચૌધરી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહેલા સમાજ શ્રેષ્ઠીની કોઈ પણ જાતની જાણકારી કે, વોરંટ વગર સરકારના ઈશારે રાતોરાત ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જો વિપુલ ચૌધરીને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરિણામ ભોગવવાનો વારો આવશે. સાથે-સાથે અર્બુદા સેનાએ હુંકાર કર્યો હતો કે, જો અર્બુદા સેનાના અધ્યક્ષને છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.