પાટણ જિલ્લામાં 339 આંગણવાડીના જર્જરીત મકાનોનાં રિપેરીંગ માટે વહીવટી મંજૂરી
પાટણ જિલ્લામાં નાના ભૂલકાઓ માટેના નંદઘર એવા આંગણવાડીઓના જર્જરિત મકાનોના રીપેરીંગ માટે પ્રત્યેક આંગણવાડીઓને રૂપિયા બે લાખની મર્યાદામાં વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં વર્ષ 2023-24 માં નવી 50 આંગણવાડી મનરેગામાં મંજૂર કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીની સુચના, માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં કુલ 339 આંગણવાડીઓના જર્જરીત મકાનોના રીપેરીંગ માટે વહીવટી મંજૂરી અપાઈ છે.
આંગણવાડીઓના રીપેરીંગ અર્થે ટીડીઓએ રજૂ કરેલ અંદાજો મુજબ રૂા. 2,00,000 ની મર્યાદામાં કામગીરી કરવા માટેની વહીવટી અપાઈ છે. હવે જે તે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મારફતે વર્કઓર્ડર અપાયેથી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાની 505 આંગણવાડીઓનો સર્વે કરાયા બાદ રીપેરીંગ કરવાપાત્ર 470 આંગણવાડીઓ પૈકી 339 આંગણવાડીઓના મકાનોના રીપેરીંગ માટે વહીવટી મંજૂરી અપાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારીના સતત મોનિટરિંગથી આંગણવાડીઓના મકાનો બાબતે દરેક ટીડીઓને ડીઓલેટર પણ લખવામાં આવ્યા હતા. જોકે તાલુકા કક્ષાએથી એસ્ટીમેટ અને તાંત્રિક અંદાજ જલદી નહીં આવતા કામગીરી વિલંબમાં મુકાઈ હોવાની પણ બૂમ ઉઠવા પામી હતી.
પાટણ જિલ્લામાં જર્જરિત આંગણવાડીઓના મકાનોના રીપેરીંગ માટે પ્રત્યેક આંગણવાડી પાછળ રૂપિયા બે લાખની મર્યાદામાં ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે. તો બીજીતરફ જિલ્લામાં નવી 50 આંગણવાડીઓ મનરેગામાં મંજૂર કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂ.8 લાખ અને આઈસીડીએસ દ્વારા 4 લાખ મળી કુલ રૂપિયા 12 લાખના ખર્ચે ડીઆરડીએ દ્વારા આંગણવાડીઓના આ નવા મકાનો બનાવવામાં આવશે.
અગાઉ આંગણવાડીઓના મકાનો માટે રુ.6 લાખની જોગવાઈ હતી જે વધારીને સરકાર દ્વારા નવા બજેટમાં રૂપિયા 12 લાખ કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લામાં 339 આંગણવાડીઓના જર્જરીત મકાનોના રીપેરીંગ માટે અપાયેલી વહીવટી મંજૂરીમાં તાલુકા દીઠ નજર કરવામાં આવે તો સાતલપુર તાલુકામાં 57, પાટણ તાલુકામાં 53, ચાણસ્મા તાલુકામાં 43 સિધ્ધપુર તાલુકામાં 42, હારીજ તાલુકામાં 41, શંખેશ્વર તાલુકામાં 33, સરસ્વતી તાલુકામાં 32, સમી તાલુકામાં 27 અને રાધનપુર તાલુકામાં 11 આંગણવાડીનો સમાવેશ થાય છે.