પાટણ પેરોલ ફર્લો પોલીસની ટીમે એક નહીં પરંતુ ચોરીના આઠ બાઇકો કબજે કર્યાં
પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી આધારે અનાવાડામાંથી પકડેલા એક શખ્સની પૂછપરછ કરવામાં આવતાં આ શખ્સ રીઢો બાઈક ચોર હોવાનું ખુલ્યું હતું. તેણે ચોરેલા આઠ બાઇકોને પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ પેરોલફર્લો સ્કવોક પોસઈ એચ.ડી. મકવાણા અને સ્ટાફના માણસો ગતરોજ નાસતા ફરતા આરોપીઓને પકડવા શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બે પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાલનપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ગયેલી બાઈક સાથે એક શખ્સ હાલમાં અનાવાડામાં હાજર છે જેથી પોલીસ ટીમ તત્કાળ અનાવાડા ગામે પહોંચી હતી અને યુવાનને પકડી તેનું નામ-ઠામ પૂછતાં બનાજી ઉર્ફે બનેસીંગ તલાજી પરમાર ખીમાણા નવાવાસ વાળો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ શખ્સને વધુ વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં ભાંગી પડેલા શખ્સે બાઈક ચોરીની કબૂલાત કરી હતી અને તેણે એક નહીં પરંતુ રાધનપુર, પાલનપુર, થરા, ડીસા, સદુથલા સહિતની અલગ-અલગ આઠ જગ્યાઓ ઉપરથી બાઈકો ચોર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જેથી પોલીસે તેને સાથે રાખી ચોરેલા બાઈકો જ્યાં સંતાડી રાખ્યા હતા ત્યાંથી કબજે લીધા છે. આમ પાટણ પેરોલ ફર્લો પોલીસ ટીમને એક રીઢા બાઈક ચોરને ઝડપી લેવામાં સફળતા હાથ લાગી છે.