![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/05-12.jpg)
પાટણના મેલુંસણ નજીક કાર અને પિકઅપ ડાલા વચ્ચે જોરદાર અકસ્માત
પાટણ શિહોરી રોડ પર આવેલા મેલુંસણ ગામ નજીક પોલીસ પ્લેટવાળી કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ગાડીઓ ધડાકાભેર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. એક કારનું આગળનું ટાયર પણ તૂટી ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બન્ને ગાડીનો ભૂક્કો બોલી ગયો હતો. આ ઉપરાંત પોલીસ પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે.પાટણ-શિહોરી રોડ પર આવેલ મેલુંસાણ ગામ નજીક ક્રેટા ગાડીના ચાલકે ગફલત ભરી રીતે પુરપાટ ઝડપે ગાડી હકારતા સામે આવતી પિક અપ ડાલા સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતા બન્ને ગાડી પલટી ખાઈ ગઈ હતી. તેમજ બન્ને ગાડી જોરદાર અથડાતા ગાડીના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. આ ઉપરાંત પોલીસ પ્લેટવાળી ક્રેટા ગાડીનું ટાયર પણ નીકળી ગયુ હતું.આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગાડીની તપાસ હાથ ધરતા ગાડીમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. તેમજ ગાડી ચાલક અકસ્માત બાદ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.