પાટણમાં માગૅ પરથી પસાર થતી CNG અલ્ટો કાર માં આગ ભભુકી ઉઠી, ડ્રાઇવરનો આબાદ બચાવ
હાઇવે માર્ગો પરથી પસાર થતી સીએનજી કારોમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના પાટણ શહેરના સાઈબાબા મંદિર રોડ પરના માર્ગ પરથી પસાર થતી સીએનજી કીટ વાળી અલ્ટો કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ગાડીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના અન્ય લોકો સફળતાપૂર્વક રીતે ગાડીની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ, સોમવારના રોજ બપોરના સુમારે પાટણ શહેરના સાઈબાબા મંદિર સામેના માર્ગ પરથી પસાર થતી સીએનજી અલ્ટો કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા કાર ચાલકે સફળતાપૂર્વક રીતે કાર રોડ સાઈડ પાર્ક કરી ગાડીમાંથી ઉતરી અન્ય મુસાફરોને પણ ગાડીમાંથી બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી હતી.
અલ્ટો કારમાં લાગેલી આગને પગલે માર્ગ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પાલિકાના ફાયર બ્રિગેડને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં અલ્ટો કાર બળીને ખાખ થતાં કાર ચાલકને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો.