ચાણસ્મા પંથકની યુવતીને ધર્મ અને નામ છૂપાવીને પ્રેમ જાળમાં ફસાવનારા આરોપી સામે ચાર્જસીટ દાખલ

પાટણ
પાટણ

ચાણસ્મા પંથકનાં એક ગામની યુવતીને પોતાનું અસલ નામ અને ધર્મ તથા પોતે પરિણીત હોવાની બાબત છૂપાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યાએ ફેરવી રાખીને તેની સાથે દુષ્કર્મ કરીને યુવતીનાં દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરવાનાં આરોપસર ઝડપાયેલા અઝરૂદ્દિન સલીમભાઈ સિપાઇ ઉર્ફે પ્રિન્સ સોમાલાલ પટેલ સામેની તપાસ પૂરી કરીને પોલીસે પાટણની કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી દીધી છે. આરોપીએ ચાર્જસીટ પછી મૂકેલી જામીન અરજી પાટણનાં સેસન્સ જજ બિપિનભાઇ કે. બારોટે નામંજૂર કરી હતી. કોર્ટે જામીન અરજી નામંજુર કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લા પોણા બે વર્ષ દરમ્યાન પોતે મુસ્લિમ ધર્મની ઓળખ છુપાવી હિન્દુ પ્રિન્સ સોમાભાઇ પટેલ હોવાનું ફરીયાદી યુવતિને જણાવી પ્રેમજાળમાં ફસાવી રોકડ રકમ અને દાગીના લઇ પરત નહિં આપી તેની મરજી વિરૂધ્ધ છેલ્લા દોઢ બે માસથી શરીર સંબંધ બાંધી મારઝુડ કરી હતી તથા આરોપીએ પોતાનાં મોબાઇલ ઉપરથી ખોટા દસ્તાવેજો બનાવીને તેનો ઉપયોગ કરી પોતાનું નામ બદલી અન્ય વ્યક્તિ બની ખોટો દસ્તાવેજ બનાવી સખી વન સ્ટોપ સેન્ટર, ધારપુર, તા. પાટણ ખાતે ખરા તરીકે ઉપયોગ કરેલ છે. અને તેનું આધારકાર્ડ ડુપ્લીકેટ કાઢી છેતરપીંડી કરી ગુનો કરી વિશ્વાસઘાત કરી ગંભીર પ્રકારનો ગુનો આચરેલ હોવાનો આક્ષેપ છે.

કોર્ટે આ બનાવનાં તપાસ અધિકારીનાં સોંગધનામનો હવાલો આપી જણાવ્યું કે, ત.ક. અધિકારીનાં સોંગધનામા માં યુવતિને આરોપીએ ઇન્ટાગ્રામ મેસેજ કરીને મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ફોન કરીને યુવિતને કહેલ કે, તમે મને બહુ ગમો છો. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું.

જેથી યુવતિએ પોતે બીજા સમાજમાં લગ્ન કરવા નથી તેમ જણાવતાં આરોપીએ પોતે પ્રિન્સ સોમાભાઇ પટેલ તરીકે ઓળખ આપતાં યુવતિએ લગ્ન કરવાની હા પાડતાં અવારનવાર ફોન પર વાતો કરી ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ કેળવીને અવારનવાર પાટણ શહેર અને અન્ય સ્થળે લઈ જતો હતો ને દુષ્કર્મ આચરતો હતો અને યુવતિ પાસેથી ડોક્યુમેન્ટ નકલો માંગી કોઇ કાગળો તૈયાર કરાવી, તેમાં લગ્ન કરવા અંગે સહીઓ કરાવી હતી. અને યુવતિ પાસેથી અવારનવાર બે થી ત્રણ લાખ રૂપિયા તથા ઘરેણા મેળવી તે પરત નહિં આપી છેતરપીંડી કરી, લગ્ન નહિં કરી વિશ્વાસઘાત કર્યો હતો. યુવતિએ પણ પોતાનાં સોંગધનામામાં આરોપીએ જામીન મંજુર ન કરવા રજુઆત કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ શૈલેષભાઇ એચ. ઠક્કરે રજુઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ પોતાનું નામ પ્રિન્સ પટેલ બતાવીને પ્રેમજાળમાં ફસાવી છે તે પણ કાવત્રુ છે તે મુસ્લિમ સમાજનો હોઇ તેમજ પરણેલો નિકળ્યો હતો. સમાજમાં સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે તેને જામીન ન આપવા જોઇએ. આવા અનેક બનાવો વધતા જતા હોવાનું તેમનાં ધ્યાનમાં આવેલ છે. સમાજમાં દાખલો બેસાડવા અને કાયદાનું શાસન ટકાવવા માટે તેને જામીન ના આપવા જોઇએ.

અત્રે નોંધીનીય છે કે, તા. 1-7-21થી 25-3-23 દરમ્યાન બનેલી આ ઘટનામાં યુવતિ બે વર્ષ પૂર્વે ઇકો ગાડી ભાડે કરીને પોળો ફોરેસ્ટ પરિવાર સાથે ગયેલા ત્યારે આરોપી અને યુવતિ વચ્ચે પરિચય થતાં આરોપી લગ્ન કરવા દબાણ કરતો હતો. બાદમાં તેને આરોપી તેને પાટણની એક હોટલમાં લઇ ગયો હતો તથા પાટણનાં ચાચરિયા અને કડીનાં કુડાલ ગામે લઇ ગયો હતો. આ બનાવ અંગે જે તે વખતે પાટણ ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.