સમી-શંખેશ્વર હાઇવે પર જતી ટ્રક પાછળ ધડાકાભેર કાર ઘૂસી

પાટણ
પાટણ

આજે રક્ષાબંધનનો તહેવાર છે, બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઇ પણ બહેનની રક્ષાનું વચન આપે છે. ત્યારે આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થતાં બહેનોનું રાખડી બાંધવાના ઉત્સવમાં માતમ છવાઈ ગયો છે. આ ગોઝારી ઘટના છે પાટણ જિલ્લાની.. જ્યાં વહેલી સવારે આગળ જતી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે.પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સમીથી 5 કિલોમીટર દૂર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી, જેમાં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જહાભાઈ રાવળનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતક રાધનપુર બાજુના છે.

આ ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને સમીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા છે. નોંધનીય છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરુણ ઘટના બનતાં બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે.આ હાઇવે પર બે દિવસ પહેલાં પણ અકસ્માત થયો હતો, જેમાં સમીના આધેડનું મોત થયું હતુ. એ અંગે મૃતકના પુત્રએ સમી પોલીસ મથકે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સમી ખાતે રહેતા યાકુબભાઈ શેરમોહમ્મદ સૈયદ તેઓ તેમની બાઈક લઈને પેટ્રોલ પુરાવા હાઇવે ઉપર ગયા હતા એ વખતે સમી-શંખેશ્વર હાઇવે ઉપર કાર સાથે અકસ્માત સર્જાતાં 108 મદદથી સમી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં તેમનું મોત થયું હતું. ત્યાર બાદ આધેડના મૃતદેહને સમી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલીવારસાને સોંપ્યો હતો.આ ઉપરાંત ત્રણેક મહિના અગાઉ આ હાઇવે પર ટ્રિપલ અકસ્માત થયો હતો, જેમાં એકનું મોત અને છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેક મહિના અગાઉ આ હાઇવે પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.