રાધનપુરના પેદાશપુરામાં ડેન્ગ્યુથી 12 વર્ષની બાળકીનું મોત

પાટણ
પાટણ

રાધનપુર તાલુકાના કરશનગઢ બાદ પેદાશપુરા ગામે શંકાસ્પદ ડેન્ગ્યુથી 12 વર્ષની બાળકી નું મોત થતા ગામમાં ફફડાટ ફેલાયો છે.સબ સલામત ના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે એક જ માસમાં બે ગામમાં ડેન્ગ્યુથી બે લોકોના મોત થયા છે. હજુ હમણાં જ આ ગામમાંથી ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસ મળ્યા હતા છતાં બાળકીનું ડેન્ગ્યુથી મોત થતાં આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ખડા થયા છે. માત્ર બે માસમાં જ જિલ્લામાં ડેન્ગ્યુના નવ પોઝિટિવ કેસ મળ્યા છે.છેલ્લા પંદરેક દિવસથી રાધનપુર પંથકના પેદાશપુરા અને કરશનગઢ ગામમાં શંકાસ્પદ ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે. કરસનગઢ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુથી એક યુવકનું મોત થયું હતું ત્યારબાદ બાજુના જ પેદાશપુરા ગામે રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષની અસ્મિતાબેન અમરતજી ઠાકોરને ત્રણેક દિવસથી તાવ આવતો હતો. સોમવારે મોડી રાત્રે ઉલટી થયા બાદ તેની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે ઇકોમાં રાધનપુર ખાતે સદારામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં તેના લેબોરેટરી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મંગળવારે સવારે બાળકીનું મોત થયું હતું. જિલ્લામાં પ્રથમ વખત ડેન્ગ્યુથી ઉપરાં છાપરી મોત થવાની ઘટનાઓ બની છે. જિલ્લામાં છેલ્લા બે માસમાં 9 લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા છે. તાજેતરમાં જ પેદાશપુરા ગામે 5માંથી 2 લોકોના અને કરસનગઢ ગામે એક વ્યક્તિને ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પેદાશપુરા ગામે તાવના દરરોજ 3થી 4 કેસ મળી રહ્યા છે.

 

ઉલટી ફેફસાંમાં જવાના કારણે મોત થયું હોઈ શકેએપેડેમીક મેડિકલ ઓફિસર ડો. નરેશભાઈ ગગૅએ જણાવ્યું હતું કે શંકાસ્પદ ડેન્ગ્યુથી બાળકીનું મોત થયું છે. બે દિવસથી તાવ આવતો હતો. રાત્રે તેને ઉલટી થયા બાદ પ્રાઇવેટમાં સારવાર માટે લઈ જવાઈ હતી ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઉલટી ફેફસાંમાં જવાના કારણે પણ મોત થઈ શકે છે. ફિઝિશિયન ડો.કાનજીભાઈ દેસાઈએ પણ તેવો અભિપ્રાય આપ્યો હતો. અઠવાડિયાથી કેસ શરૂ થયા છે. રોગચાળાને પગલે મેડિકલ કોલેજના ફીઝીશીયન પીડિયાટ્રિશિયન માઇક્રો બાયોલોજી અને પીએસએમ સહિતની ટીમ પેદાશપુરા ગામે દોડી આવી હતી. તાવ આવતો હોય તેવા દર્દીઓની વિઝિટ કરી હતી અને આ કયા પ્રકારનો તાવ છે તેની તપાસ કરવા માટે લોહીના દસ સેમ્પલ લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.