પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ રોટરી ક્લબ અને રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરીને સરાહનીય લેખાવી
રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન ના સૌજન્યથી આરોગ્ય વિભાગને આરોગ્યના સાધનો અર્પણ વિધિ નો કાર્યક્રમ શનિવારે રોટરી હોલ ખાતે પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો.
રોટરી હોલ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રૂ.7 લાખ ઉપરાંત ના સાધનો જેવા કે વેક્સિન કેરી બેગ,પીપીઇ કીટ,ગ્લોવજ , આઈસ પેક વગેરે પાટણ CDHO ડો.વિષ્ણુભાઈ પટેલ,RCHO ડો દિવ્યેશ પટેલ અને સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ડો.હિમાંશુ દવે ની ઉપસ્થિતિમાં પી.એચ. સી. સેન્ટરો અને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા.
રોટરી પ્રમુખ ભગવાનભાઈ પટેલ અને મંત્રી નીરવ પટેલ દ્વારા મહેમાનોનું શાલ અને બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન ડો.સોઢા દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ પાટણ અને રિલાયન્સ ફાઉન્ડેશનની સરાહના કરતા ડીડીઓ એ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની એકમાત્ર બ્લડ બેન્ક તરીકે લાંબા સમય સુધી સેવા આપવાની સાથે આરોગ્યના કાર્યમાં સંસ્થાનો સહકાર અમૂલ્ય છે,તેમણે વધુમાં જણાવ્યું કે યુદ્ધની પરિસ્થિતિમાં આરોગ્યની ટીમનું પણ મોટું યોગદાન રહેલું હોય અને સૌના સહયોગથી જિલ્લા આરોગ્યતંત્ર આ માટે સક્ષમ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કરતા રો.ડો બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી જિલ્લા વાસીઓએ પ્રત્યક્ષ અનુભવી છે અને એ માટે તંત્રને અભિનંદન છે તો આ કાર્યક્રમમાં રણુજ અને ડેર પી. એચ.સી.સેન્ટર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન ના કાર્યક્રમ અંતર્ગત સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમમાં પાટણ સિવિલ હોસ્પિટલના ડો હિમાંશુ દવે,THO ડો.અલ્કેશ ભાઈ સોહેલ, રોટરીના હરેશ પટેલ,જયરામ પટેલ,ધનરાજભાઇ ઠક્કર,જય દરજી, ગેમર ભાઇ દેસાઈ, નૈતિક પટેલ સહિત પીએસસી સેન્ટરોના મેડિકલ ઓફિસરો, સ્ટાફ નર્સ અને આશા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.