જીયુડીસી અને જીઈબી દ્વારા આડેધડ કરાતા ખોદકામના કામો બાબતે રજૂઆત કરાય
વર્ષ 2024-25 માં પાલિકાની કુલ ખોટ રૂ. 27.83 કરોડ હતી. જે ઘટીને રૂ. 6.44 કરોડ થઈ; પાટણ નગરપાલિકાની સામાન્ય સભાની શુક્રવારે મળેલી બેઠકમાં વર્ષ 2025-26 નું રૂ. 8.61 કરોડની પુરાત વાળું બજેટ વિરોધપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નગર પાલિકાને આગામી વર્ષે રૂ. 215.44 કરોડની આવક થવાનો અંદાજ છે.જ્યારે ખર્ચ રૂ. 206.83 કરોડ રહેશે.આમ રૂ. 8.61 કરોડની પૂરાંત રહેશે.ગત વર્ષ 2024-25માં પાલિકાની કુલ ખોટ રૂ. 27.83 કરોડ હતી. જે ઘટીને રૂ. 6.44 કરોડ થઈ છે.
બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા તો જીઈબી દ્વારા ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં રોડ અને લોકોની મિલકતને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. જીયુડીસીની ગટર લાઈનના કામોમાં પણ રોડને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
વોર્ડ નંબર 9માં માખણીયા ખાતે દર ચોમાસે તૂટી જતા તળાવના પાળાની મરામત માટે રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં જાહેર શૌચાલયો માટે મળેલી રૂ. 60 લાખની ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ મુકત મને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગેરકાયદે દબાણો દૂર કરવા કડક નિર્ણય લેવાયો હતો.વોર્ડ ઇન્સ્પેક્ટરોને તેમના વિસ્તારમાં થતા દબાણોની લેખિત જાણ કરવા સૂચના અપાઈ હતી. વિપક્ષે સ્વચ્છતા સર્વેમાં થતી અનિયમિતતા અંગે આક્ષેપો કર્યા હતા. પાલિકા ખાતે શુક્રવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ચીફ ઓફિસર, ઓફિસ સુપ્રિટેન્ડન્સ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો વિવિધ શાખાઓના અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.