પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં પ્રથમ વરસાદે જ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામના મુખ્ય માર્ગ અને પાંચ ગામને જોડતા રસ્તા પર વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર કીચડ જામ્યો છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયા છે. આ કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે.
ગ્રામજનોએ આ સમસ્યા અંગે ગામ પંચાયતમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામના સરપંચની તાનાશાહી વચ્ચે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકારની સ્વચ્છતા ઝુંબેશ છતાં ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર જ થતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.