શહેરના ખાડા વાળા રસ્તાઓનું નિરાકરણ નહીં આવે તો પાલિકા નો વેરો ન ભરવાનું અભિયાન શરૂ કરવાની ચીમકી આપી…!
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ગુરૂવારે પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. તેમણે શહેરના બિસ્માર રસ્તાઓ પર પાલિકા તંત્ર નું ધ્યાન દોરવા માટે જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. પાટણ ના ધારાસભ્યે કોગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પ્રબુદ્ધ નગરજનોને સાથે રાખીને શહેરના રેલ્વે ગરનાળાથી નિર્મળ નગર,બગવાડા દરવાજા અને સુભાષ ચોક સુધીના વિસ્તારમાં બે ટ્રેક્ટર દ્વારા વેટમિક્સ માલથી હાથમાં પાવડો લઈને જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર પડેલા ખાડાથી લોકો પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક લોકો એ રજુઆત કરી હોવા છતાં ભાજપ સાશિત પાલિકા દ્વારા સમયસર અને શુ વ્યવસ્થિત રીતે આ ખાડાઓ નું પુરાણ કરવામાં ન આવતા આજે ધારાસભ્ય ને પોતાના જન્મ દિવસની ઉજવણી અંતગૅત આ પગલું ભરવું પડયું છે જેને લોકો પ્રજાલક્ષી કામગીરી ગણાવી આવકારી છે એમ જણાવી ડો. કિરીટ પટેલે પાલિકા તંત્ર સામે ચીમકીઉચ્ચારી હતી કે જો નગરપાલિકા આગામી સમયમાં આ બિસ્માર બનેલા રસ્તાઓની સ્થિતિમાં સુધારો નહીં કરે તો શહેરીજનો સહિત વિવિધ સંસ્થાઓને સાથે રાખીને તેઓ દ્રારા પાલિકા નો વેરો ન ભરવાનું અભિયાન શરૂ કરશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પાટણની સમસ્યાઓને ઉકેલવામાં ભાજપ શાસિત નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે જેના કારણે શહેરીજનો પણ ત્રસ્ત છે ત્યારે પાલિકા સતાધીશો શહેરીજનો ને પાયાની સુવિધાઓ તાત્કાલિક પુરી પાડે તેવી માગ તેઓએ કરી હતી.
આ સાથે પાટણના ધારાસભ્યએ કોગ્રેસના આગેવાનો, કાર્યકરો અને એનએસયુઆઈ ને સાથે રાખીને પોતાના જન્મ દિવસે પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ, યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ, હરિઓમ ગૌશાળા આનાવાડા ખાતે ગૌમાતા ને ઘાસચારો, બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કરી પાટણ લોકસભા વિસ્તારના નગરજનો સાથે પાટણ જુના સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ આયોજિત કરી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

