પાલિકાએ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ રાખવાની ફરજ પડી
STP પ્લાન્ટની મુખ્ય પાઈપ લાઈનમાં પડેલ ભંગાણના કારણે શહેરીજનોને પાલિકા પ્રમુખે અપીલ કરી
પાટણ શહેરમાં બહુચર પમ્પિંગ સ્ટેશન નજીક આવેલા માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન રવિવારે તૂટી જતા અને આ બાબતની જાણ પાલિકા પ્રમુખને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી તેનું નિરિક્ષણ કરી આ તુટેલી રાઈઝિંગ લાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા ટીમને કામે લગાડી હતી. માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન તૂટી જવાની આ ઘટનાને પગલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે. ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે આ પાઈપ તુટવાના કારણે શહેરના તમામ ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનો રવિવારે બંધ રાખવાની ફરજ પડી છે જેને લઈને શહેરવાસીઓને આજના દિવસે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી છે. લાઈનનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને આ કટોકટીની પરિસ્થિતિમાં પાલિકા તંત્રને સહકાર આપવા પાલિકા પ્રમુખ દ્રારા વિનંતી કરવામાં આવી હતી.

