“કડિયા સાંસી”ગેંગ દ્વારા લગ્ન પ્રસંગોમાં અને બેંકોની બહારથી નજર ચુકવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતી હતી. કુખ્યાત “કડિયા સાંસી” ગેંગના અન્ય સુત્રધારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ… પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી કુખ્યાત કડીયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સીસોદીયા અને 11 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી ક્રિષ્ના સીસોદીયાની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી 5,00,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. આ કાર્યવાહીથી પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા અનેક ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા છે.પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોની બહારથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતી આ ગેંગને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો.તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયા સાંસી ગામની છે.
આ બાતમીના આધારે, પાટણ LCB પીઆઈ રાકેશ ઉનાગરના માગૅદશૅન હેઠળની ટીમે રાજગઢ ખાતે વેશ પલટો કરીને સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધર્યું હતું.આ ઓપરેશન દરમિયાન ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ રાજકુમાર સીસોદીયાને 3,00,000 રૂપિયાની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.તેની પૂછપરછના આધારે, અન્ય આરોપી કલાવતી ઉર્ફે કાડી દિલીપ સીસોદીયાના ઘરેથી વધુ 2,00,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, 11 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી ક્રિષ્ના પત્ની બીરૂ પ્રભુસીસોદીયાને પણ પચૌર તાલુકાના કડીયા સાસી ગામેથી દરોડો પાડીને ઝડપી પાડવામાં આવી હતી. ક્રિષ્ના સામે વર્ષ 2014માં પાટણ સિટી B ડિવિઝન, અંબાજી અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 379 અને 114 મુજબ ગુના નોંધાયેલા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ગુનાઓની કબૂલાત થઈ છે. જેમાં 6 મહિના પહેલા રાધનપુર બસ સ્ટેશન પાસે બાઈક પરથી થયેલી 3,00,000 રૂપિયાની ચોરી, 6 વર્ષ પહેલા પાટણના બાલાજી પાર્ટી પ્લોટ માંથી થયેલી 6,55,000 રૂપિયાની ચોરી, સિદ્ધપુર SBI બેંક પાસેથી 1,00,000 રૂપિયાની ચોરી અને હારીજમાં કિરાણા સ્ટોર પાસેથી 1,00,000 રૂપિયાની ચોરીનો સમાવેશ થાય છે. પાટણના ખોડાભા અને જે.જે. પાર્ટી પ્લોટમાં થયેલા ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે.મુખ્ય આરોપી નકુલ સીસોદીયા અગાઉ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા,જૂનાગઢ, અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો. હાલમાં આ ગેંગના અન્ય સાગરીતો કોહીનૂર સીસોદીયા, કલાવતી અને અર્ચના સીસોદીયાને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

