લકી ડ્રોના 17 આયોજકો પૈકી 10 આયોજકોની અટકાયત કરાઈ; પાટણના હારીજ ખાતે શ્રી કૃષ્ણાધામ ગૌશાળા સેવા સમિતિ તેમજ ઇનામ યોજના ના નામે લક્કી ડ્રો ના આયોજન સાથે ભવ્ય સંતવાણી નું આયોજન કર્યું હતું જોકે હારીજમાં આ લક્કી ડ્રો યોજાય તે પહેલાં જ પાટણ LCB અને હારીજ ની સ્થાનિક પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે છાપો મારી લકી ડ્રોમાં સંકળાયેલા 17 આયોજકો પૈકી 10 આયોજકોની અટકાયત કરતા સમગ્ર પંથકમા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગૌશાળાના લાભાર્થે આયોજકો દ્વારા લકી ડ્રોના કરાયેલા આયોજનમા લકી ડ્રો ની ટિકિટ નો ચાર્જ રૂપિયા 399 ની કુપનમાં 5001 ઇનામ રખાયા હતા. જેમાં મોંઘીદાટ કારો, ટ્રેક્ટર અને બાઈક સહીતના ઈનામો રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે લક્કી ડ્રો ના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની બાબતને લઈ પોલીસે રેડ કરી 10 આયોજકો ની અટકાયત કરી તેઓની વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હારીજની કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિનું નામ પણ ઉછળતા ગૌશાળાના સંચાલકો એ આ લકકી ડ્રો ગૌશાળા ના લાભાર્થે કરવામાં આવનાર હોવાનો એગ્રીમેન્ટ પણ કર્યો હોવાનું અને આ લકી ડ્રોની તમામ રકમ ગૌશાળા ની ગાયો માટે ચિકિત્સાલય બનાવવા પાછળ વાપરવાની હોવાનું જણાવી હાલમાં કેટલાક ડ્રો માટેની ટિકિટ ખરીદનારાઓને બોલાવી તેમના રૂપિયા પરત આપવાની કવાયત શરૂ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પોલીસે ગેરકાયદે ઈનામી યોજના ચલાવવા બદલ 17 લોકો સામે ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુનમાજી વાલાજી માળી (પરમાર) હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આરોપીઓએ આશરે 1,10,000 ટિકિટો છપાવી એજન્ટો મારફતે વેચાણ કર્યું હતું જેનો લકી ડ્રો 28 ફેબ્રુઆરી 2025ની રાત્રે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઈનામોમાં સ્કોર્પિયો-1, સ્વિફ્ટ-1, ટ્રેક્ટર-8, બાઈક-21,ઈ-એક્ટિવા-31, રોટાવેટર-11,ફ્રિજ-51,કૂલર-301, LED 151, સીલિંગ ફેન-501, હીટર-1000 અને અન્ય ઈનામોનો સમાવેશ થતો હતો. ઈનામી ચિઠ્ઠીઓ તથા નાણા-પરિચલન યોજનાઓ (મનાઈ) અધિનિયમ, 1978 હેઠળ આવી યોજનાઓ પર પ્રતિબંધ છે. આ કાયદાની જાણ હોવા છતાં આરોપીઓએ મોટી રકમ એકત્ર કરવાના ઈરાદે આ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હોય પોલીસે તમામ આરોપીઓ સામે કાયદાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધ્યો છે. યોજનામાં સહાયક સંચાલકો સહિત તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સિધ્ધપુર ડીવાયએસપી કે.કે.પંડ્યા એ જણાવ્યું હતું.