ગુનાના ફરિયાદી એજ પોતાના બે મિત્રો સાથે લૂટ નો પ્લાન બનાવ્યો હતો
પોલીસે ત્રણેય આરોપીઓને મુદામાલ સાથે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી; પાટણ જિલ્લાના સમી નજીક કઠીવાડા ગામ પાસે 10 માર્ચની રાત્રે થયેલી 26.50 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટની ફરિયાદ નોંધાવનાર આંગડિયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ સૈયદ જ મુખ્ય આરોપી નીકળ્યો છે. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી સલમાન પર શંકા હતી. સઘન પૂછપરછમાં સલમાને કબૂલ્યું કે તેણે પોતાના બે મિત્રો સમીર ચૌહાણ અને આસિફ ઘાંચી સાથે મળીને લૂંટનું નાટક રચ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 26.50 લાખની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે.
તપાસમાં બહાર આવ્યું કે સલમાને લૂંટનું નાટક રચવા માટે પહેલેથી જ પૈસા તેના મિત્રને સાચવવા આપી દીધા હતા. તેણે જમીનના પૈસા હોવાનું કહી મિત્રને રકમ સોંપી હતી. વધુમાં, સીસીટીવી ફૂટેજમાં પકડાવા માટે તેણે જાણીજોઈને પેટ્રોલ પંપ પર પૈસાનો થેલો સાથે રાખીને પેટ્રોલ પુરાવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસ વડા વસંતનાઈએ જણાવ્યું કે આરોપીએ પૈસા કમાવવાની લાલચમાં આ તરકીબ અપનાવી હતી. તેણે મિત્રો પાસેથી મેળવેલી ટિપ્સના આધારે આ કાવતરું રચ્યું હતું, જે અંતે તેના પકડાવાનું કારણ બન્યું. પોલીસે માત્ર દસ દિવસમાં જ આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.