વિધાર્થી દ્રારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા MBBS પરીક્ષાના પરિણામમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓમાં તણાવ વ્યાપ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાતની એક મેડિકલ કોલેજના અજાણ્યા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિદ્યાર્થીએ HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@hmsa _student) પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં જણાવાયું છે કે જો યુનિવર્સિટી સમયસર પરિણામ જાહેર નહીં કરે,તો તે કોઈ પણ હદ સુધી પગલાં ભરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મેડિકલ કોલેજ તથા યુનિવર્સિટીની રહેશે.
આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. એસોસિએશને માત્ર બે કલાકની અંદર ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ મેડિકલ કોલેજોના ડીનને આ બાબતની જાણ કરી હતી.એસોસિએશનના સભ્યોએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ડીન સાહેબોને તાત્કાલિક જાણ કરીને કોલેજ પ્રશાસન દ્વારા યુનિવર્સિટીમાં પરિણામ બાબતે રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે.એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા સમયસર પરિણામ જાહેર કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી છે.આ અંગે હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક એ જણાવ્યું હતું કે, પરિણામ ટેકનિકલ ખામીને કારણે અટક્યું છે અને સોમવાર સુધીમાં તે જાહેર કરી દેવામાં આવશે.

