તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓની સમસ્યાનું નિરાકરણ લવાઈ તેવી માંગ ઉઠી
પાટણથી હારીજ તરફ જતા મુખ્ય હાઇવે પર સુદામા ચોકડી નજીક જય અંબે મિનરલ પ્લાન્ટ પાસે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતાં રસ્તાની વચ્ચે ત્રણ ફૂટથી પણ મોટો ખાડો પડવાના કારણે માગૅ આસપાસની કપચી ઉખડી જતાં માગૅ પરથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમા મુકાયા છે. તો વાહનો ખાડામાં પછડાવાથી ચાલકોને કમરના દુખાવાની સમસ્યા થઈ રહી છે. રાહદારીઓ અને વાહન ચાલકો તંત્ર પાસે આ માગૅ ના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.
માગૅ પરથી કાર લઈ પસાર થઇ રહેલા ચાલક હરજીત ચૌધરીએ રોષ સાથે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોગ્રેસના ધારસભ્યો ખરીદવા જેટલા રૂપિયા વાપરે છે એટલા રૂપિયા લોકોની સુખાકારી માટે અને રોડ-રસ્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ.તો રાહદારી અશોક પટેલે જણાવ્યું કે છેલ્લા ૧૨ મહિનાથી રોડ બને છે અને તૂટી જાય છે, જેના કારણે વાહનો અને રાહદારીઓને નુકસાન થાય છે.
જયારે હિતેશભાઈ શાહે જણાવ્યું કે તેઓ રોજ હારીજ અપડાઉન કરે છે. વરસાદમાં ખાડા ન દેખાવાથી તેમની ગાડીનું બમ્પર તૂટી ગયું છે. રિક્ષા ચાલક વિનોદ પ્રજાપતિએ જણાવ્યું કે ખાડાઓના કારણે ટાયર ફાટવા અને એક્સલ તૂટવાની સમસ્યા થાય છે. પાટણ-હારીજ બાયપાસ માગૅ પર પડેલા ખાડાઓ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

