ગોડાઉન માલિકનો ટેલિફોન પર સંપકૅ ન થતાં તંત્ર દ્વારા કાયદેસરની કાયૅવાહી માટે ચક્રો ગતિમાન કરાયા
પાટણ-ઊંઝા હાઇવે પર શહેરથી 3 કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલા ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. આ માહિતીના આધારે વિભાગની ટીમે સોમવારે રાત્રે સ્થળ પર દરોડો પાડ્યો હતો પરંતુ સ્થળ પર તાળું મારેલ હોય માલિક ને ફોન કરતાં તે ફોન ન ઉપાડતો હોય આખરે ફુડ વિભાગે રાત્રે ગોડાઉન ને સીલ માર્યું હતું અને મંગળવારે બીજા દિવસે ટીમ ધટના સ્થળે પહોંચી હતી પરંતુ બીજા દિવસે પણ માલિક હાજર ન મળી આવતા આગળ ની તપાસ માટે તંત્ર દ્વારા કાયૅવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મિબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ હાથ ધરી હતી. ટીમમાં સિનિયર એફએસઓ બી.એચ. ગોસ્વામી, એફએસઓ યુ.એચ. રાવલ અને એચ.બી. ગુર્જર સામેલ હતા. પાર્થ એસ્ટેટ નામની દુકાન નંબર 21 અને B1M એમ બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બંને દુકાનો તાળાબંધ મળી આવી હતી. ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો. બાલિસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જો કે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી. આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી. આ મામલે ફરીથી મંગળવારે તપાસ હાથ ધરી હતી પરંતુ તંત્ર ની તપાસ બીજે દિવસે પણ સફળ ન બનતા આખરે તંત્ર દ્વારા કાયદેસરની કાયૅવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.