આગામી ચોમાસામાં ખુલ્લી જગ્યાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી
તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ દ્વારા પાટણ સમીપ આવેલા પાલડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી,નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અને SCST સેલના નાયબ પોલીસ અધિક્ષક સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક અને તમામ અધિકારીઓએ રોપાયેલા વૃક્ષોની જાળવણી અને ઉછેર માટે સંકલ્પ કયૉ હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આગામી ચોમાસા દરમિયાન ખુલ્લી અને પડતર જમીનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનું સૌ પોલીસ પરિવારને આહ્વાન કર્યું હતું. પોલીસ અધિક્ષકે પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય યોગદાન આપવા માટે તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા પોલીસ વિભાગે પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.