તંત્ર દ્વારા જિલ્લામાં જયાં જયાં આવી સાયકલો પડી છે તેને એક જગ્યાએ એકત્ર કરી લાભાર્થીઓને વિતરણ કરવા શહેર કોગ્રેસ પ્રમુખે માંગ કરી; પાટણ શહેરમાં આવેલ પીટીસી કોલેજની બાજુમાં આવેલ પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરી ના ઓરડામાં સરસ્વતી સાધના યોજના હેઠળ કે ગરીબ કલ્યાણ મેળાની સાયકલોનો જથ્થો જોવા મળ્યો છે. ત્યારે આ સાયકલો ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીનીઓને આપવાની જગ્યાએ છેલ્લા ધણા સમયથી આ જગ્યા પર પડી હોવાથી સાયકલો ઉપર ધૂળના થર જામેલા અને સાયકલોની પણ ભંગાર હાલત જોવા મળતા પાટણના વહીવટી તંત્ર એ સત્વરે જાગી આ સરસ્વતી સાધના યોજનાની સાયકલો પાટણ જિલ્લાની અંદર જ્યાં જ્યાં પડી હોય ત્યાંથી એકત્ર કરી અને તે સાયકલો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માગ પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે કરી છે.
વધુ મા તેઓએ જણાવ્યું હતું કે સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ કલ્યાણ મેળાની સાયકલો ઘણા સમયથી એક જ જગ્યાએ પડી રહેવાના કારણે ભંગાર થતી જોવા મળે છે આવી સાયકલો યોગ્ય લાભાર્થી સુધી કયાં કારણોસર પહોચી નથી તેની પણ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાટણના જિલ્લા વહીવટી તંત્ર એ કામગીરી કરવી જોઈએ તેવી માગ પણ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.