પાટણ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે જેમાં પાટણ શહેર હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવને લાંચ લેતા રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ એક હોમગાર્ડ કર્મચારીએ ACBમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના રૂ.12,000ના પગાર બિલ મંજૂર કરવા માટે આરોપી રાજેશ વૈષ્ણવે રૂ. 2,000ની લાંચની માગણી કરી હતી.
જે રકમ ફરિયાદી આપવા માગતાં ન હોય તેઓએ પાટણ ACBને આ મામલે હકીકત જણાવતાં એસીબી ટીમે તા.11 ઓગસ્ટ 2025ના રોજ પાટણ શહેર હોમગાર્ડ યુનિટની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. જે છટકામાં આરોપી રાજેશ વૈષ્ણવ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો. ACBએ આરોપી પાસેથી લાંચની રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. એસીબીની આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી, મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ ના સુપરવિઝન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

