તમાકુ યાડૅના પ્રારંભે તમાકુ નો બે હજાર થી પચ્ચી સૌહ નો ભાવ રહે તેવી આશા; પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની લાંબા સમયની માગણીને ધ્યાનમાં લઈને પાટણ ઊંઝા રોડ પર દિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની તા. ૨ એપ્રિલથી શરૂઆત કરવામાં આવી રહી છે. તા. 2 એપ્રિલથી તમાકુનું માર્કેટ યાર્ડના પ્રારંભ પૂર્વેજ પાટણ પંથક સહિત અન્ય વિસ્તારોમાં તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા 10 હજાર થી વધુ તમાકુની બોરી વેચાણ અર્થે લાવવામાં આવી છે. ત્યારે આવતીકાલે આ નવીન તમાકુના માર્કેટ યાર્ડમાં 30 હજાર થી વધુ બોરી આવવાની શક્યતા એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ તમાકુના માર્કેટયાર્ડમાં તમાકુનો ભાવ 2000 થી 2500 રૂપિયાથી વધુનો પડી શકે તેવી શક્યતાઓ પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ તમાકુ ના માર્કેટ યાર્ડમાં હાલમાં 30 વેપારીઓએ અહીંથી ખરીદી કરવાની તૈયારી બતાવી છે. તો હાલમાં 30 જેટલા હંગામી સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તમાકુના વેચાણ માટે આવતા ખેડૂતો માટે આરામ કરવાની વ્યવસ્થા,નાસ્તા માટેની કેન્ટીન, ઠંડા પાણી અને છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. APMC પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચું વજન અને રોકડ ચુકવણીની ખાતરી આપવામાં આવી છે. પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારના તમાકુ ઉત્પાદક ખેડૂતોને આ નવા માર્કેટયાર્ડનો લાભ લેવા તેઓએ અપીલ કરી હતી.
આ નવીન તમાકુ માર્કેટ યાર્ડના વેપારી મૌલિક પટેલે જણાવ્યું કે, અગાઉ તેઓ અન્ય પીઠામાં તમાકુ ખરીદવા જતા હતા હવે તેઓ આ નવા માર્કેટ યાર્ડ માંથી તમાકુની ખરીદી કરશે. તો અમર નેસાડા ગામના ખેડૂતોએ પણ આશા વ્યક્ત કરી છે કે અહીં સારી સુવિધાઓ સાથે યોગ્ય ભાવ મળશે. પહેલા તેમને તમાકુ વેચવા દૂર જવું પડતું હતું પરંતુ હવે ઘર આગણે જ આ સુવિધા ઉપલબ્ધ બનતા સમય અને નાણા નો બચાવ થશે. પાટણ એપીએમસી દ્વારા પાટણ ઊંઝા રોડ પર આવેલા દીગડી ગામ નજીક કાર્યરત કરાયેલ તમાકુના માર્કેટ યાર્ડ થી તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમજ વેપારીઓને ઘણો જ ફાયદો થશે.