કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે તેવી માંગ કરાઈ
પાટણ આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે કૌભાંડી મંત્રી બચુ ખાબડ હટાવોની માંગ સાથે મુખ્યમંત્રીને ઉદેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ આપેલ આ આવેદનપત્ર જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસનાં વિવિધ કામો ગામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે.
આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેક-ડૅમ બનાવવા, રોડ-રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકો પાસે કરાવી તેઓને રોજગારી પુરી પાડવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજના નું આ વર્ષનું કુલ બજેટ ૮૬ હજાર કરોડ રૂપિયા નું છે.
ત્યારે ભાજપના નેતા બચુ ખાબડ અને તેના પરિવારના સભ્યોએ ખોટા બીલો રજુ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ કરેલ હોવા છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર સરકાર દ્વારા પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર એનો બચાવ કરી કૌભાંડી મંત્રી ને પદભ્રષ્ટ કરવાની જગ્યાએ હજુ પણ તેને પદ પર બેસાડી રાખવામાં આવ્યો છે.
ભાજપના આ ભ્રષ્ટ નેતા અને તેના પરિવારના સભ્યો દ્રારા ફકત ત્રણ ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે? ત્યારે ગુજરાતના ઈમાનદાર કરદાતાઓ-નાગરિકો વતી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી છે કે, આ કૌભાંડી મંત્રીને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે અને તમામ જીલ્લામાં આવા કૌભાંડની તટસ્થ તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવવામાં આવે તેવી માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.