સંસદના ચોમાસુ સત્રનો ૨૧ જુલાઇથી પ્રારંભ થશે. કેન્દ્રિય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આ અંગેની માહિતી આપી. તેઓએ કહયું કે ચોમાસુ સત્ર ૨૧ જુલાઇથી શરૂ થશે અને ૧૨ ઓગષ્ટ સુધી ચાલશે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારે નિયમો હેઠળ ઓપરેશન સિંદુર પર ચર્ચા કરવા માટે પણ મંજુરી આપી છે. ત્રણ મહિનાથી વધુના વિરામ બાદ, સંસદના બંને ગળહો ૨૧ જુલાઈએ સવારે ૧૧ વાગ્યે બોલાવવામાં આવશે. આ વર્ષે ૩૧ જાન્યુઆરીએ સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું. લોકસભા અને રાજ્યસભા બંને ૪ એપ્રિલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા, જેનાથી ૨૦૨૫નું પ્રથમ સંસદ સત્ર સમાપ્ત થયું. રિજિજુએ કહ્યું કે સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, દરેક સત્ર ખાસ છે અને અમે ઓપરેશન સિંદૂર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તેમણે વધુમાં કહ્યું, સરકાર ઇચ્છે છે કે બધાને સાથે લેવામાં આવે – અમે વિપક્ષનો સંપર્ક કર્યો છે અને આશા રાખીએ છીએ કે બધા એક થઈને વલણ અપનાવશે.
એક તરફ વિપક્ષ સતત સરકાર પાસેથી ઓપરેશન સિંદૂર પર ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યો હતો. મંગળવારે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્રો લખ્યા હતા. બીજી તરફ, સરકારે આ દરમિયાન ચોમાસુ સત્રની તારીખ જાહેર કરી દીધી છે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે વિપક્ષની સતત માંગ છતાં, ઓપરેશન સિંદૂર પર કોઈ ખાસ સત્ર નહીં હોય. વિપક્ષ સતત ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર ખાસ સત્રની માંગ કરી રહ્યું હતું અને વિપક્ષ સતત સરકારને પ્રશ્નો પૂછી રહ્યું હતું. જોકે, હવે ચોમાસુ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે.ચોમાસુ સત્રમાં પાકિસ્તાન પર ચર્ચા થઈ શકે છે. આ સમયે વિપક્ષ સરકારને પાકિસ્તાન અંગે પણ ઘણા પ્રશ્નો પૂછશે અને ઓપરેશન સિંદૂર અંગે ગળહમાં પ્રશ્નો પૂછવામાં આવે તેવી પણ અપેક્ષા છે.
૨૩ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં મુખ્ય બિલો રજૂ કરવા, તેના પર ચર્ચા, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને ઓપરેશન સિંદૂર જેવા તાજેતરના રાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા થવાની અપેક્ષા છે.સંસદના ચોમાસુ સત્રમાં વીમા સુધારા બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ બિલ વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા ૧૦૦ ટકા સુધી વધારવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલનો ડ્રાફ્ટ તૈયાર છે અને ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી પછી, નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ સંસદમાં બિલ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. અગાઉ, સંસદનું બજેટ સત્ર બે ભાગમાં યોજાયું હતું. પ્રથમ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થયું હતું. અને ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ ૧૦ માર્ચથી શરૂ થયો હતો અને ૪ એપ્રિલના રોજ સમાપ્ત થયો હતો.