નવપરિણીત નવોઢાની નવા ઘરમાં સમાયોજન સાધવાની વ્યથાને સમજીને પરીવાર તરફથી આપવામાં આવતો પ્રેમ, હૂંફ અને સહકાર ભવિષ્યનો અતૂટ સબંધ સ્થાપે છે

પાલવના પડછાયા

વાત જયારે એક દિકરીની આવે ત્યારે આપણે બધાને એવુ કહેતા સાંભળીએ છીએ કે દિકરીને તો પારકે ઘરે જવાનું હોય, પારકાને પોતાના કરવાનાં હોય, ઘરના દરેક સભ્યોનું ધ્યાન રાખવાનું હોય, નાનીથી માંડી મોટી બધી જ જવાબદારી તેને જઈને તરત નિભાવવાની હોય, માટે તેને હવે એક દિકરીમાં થી વહુ બનવાનું છે, ઘણું શીખવાનું છે, બધા જ સભ્યોમાં મન, વિચાર, અને સ્વભાવ અલગ જ હોવાના, બધાથી પરિચિત થઇને રહેવાનું છે, કોઈને મન દુઃખ થાય તેવા વચનો બોલાઈના જાય અને તેનાથી દરેક વ્યક્તિ ખુશ રહે તેવું વાતાવરણ રાખવાનું હોય છે..
પરંતુ મિત્રો ક્યારેય આપણે એવુ વિચાર્યું કે શું આ બધું એટલું સરળ છે? વાતો કરીને આપણે ભલે મનને મનાવીએ, પરંતુ આ બધી વ્યથા તો એક દિકરી જ જાણતી હોય છે.મારે વાત આજે કરવી છે એ છે કે.. ક્યારેક આપણે ઘરથી બહાર થોડા સમય માટે પણ ગયા હોઈએ તો પણ આપણને ઘર યાદ આવે છે, ઘરે આવ્યા પછી આપણને શાંતિનો અહેસાસ થાય છે અને આપણે વાતવાતમાં બોલી જઈએ છીએ કે દુનિયાનો છેડો ઘર.. અરે જગ્યા બદલાય તો આપણને ઉંઘ પણ ના આવે, પરંતુ એક દિકરી હંમેશા માટે પોતાનું ઘર છોડી દે છે, ફક્ત તમારા માટે શું તેની વ્યથા વિશે આપણે ક્યારેય વિચાર્યું છે? મે ઘણા લોકોને બોલતા જોયા છે કે,દાળ તો મને મારા ઘરની જ ભાવે, મારી મમ્મીના હાથની જ પણ એક દિકરીને તો રીતિરિવાજ મુજબ સાસરિયામાં જે બનતું હોય તે મુજબ જ રહેવાનું હોય, ત્યાંનો ટેસ્ટ અલગ હોય, બનાવવાની રીત અલગ હોય, જમવાની રીત, સમયને બધું જ અલગ હોય છતાં એક દિકરી જયારે પારકા ઘરને પોતાના બનાવવાના શમણાં સાથે આવે છે, ત્યારે તેના માટે બધું જ સ્વીકાર્ય થઇ જાય છે, તે પોતે ખૂબ જ સરળતાથી તે રંગમાં રંગાઈ જાય છે.પરંતુ આપણને આ બધું જ ખૂબ જ સરળ લાગે છે, નવોઢા માટે આ બધું પહેલી પહેલીવાર હોવાથી તે પણ ઘણી બધી વસ્તુઓથી અજાણ હોય છે.
હવે વાત આવે છે બીજાના મનને ઓળખવાની, તો ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ સાથે ઘણા લાંબા સમય સુધી સમય પસાર કરીએ તો પણ તેના મનને, વિચારોને અને સ્વભાવને જાણી નથી શકતા, તો એક દિકરીને તો આવતા વેંત જ પરિવારના દરેક સભ્યોને જાણવાના હોય છે, તેમને શું ગમે છે, શું નથી ગમતું, તેમણે શું ભાવશે, તેમની સાથે કઈ રીતે વર્તન કરવું જો કદાચ કંઈક ભૂલથી બોલાઈ જાય તો તેમનો અભિપ્રાય શું હશે આવી દરેક બાબતો એક નવોઢાના મનમાં ચાલતી હોય છે, શું આ બધું એટલું સરળ છે?? અને તે પણ આટલા ટૂંકાગાળામાં છતાં પણ સ્ત્રી આ બધું કરે છે..અને મને ગર્વ છે જગતની દરેક સ્ત્રી પર.
આ તો વાત થઇ નવોઢાની વ્યથાની પરંતુ આ વ્યથામાં પરિવારનો પણ તેને સાથ સહકાર આપવામાં મોટો ફાળો હોવો જોઈએ, જયારે એક દિકરી બીજા ઘરેથી આવે છે ત્યારે તે ઘણા બધા સપના સાથે આવે છે, તેની પાંખો ના કાપો તેને,મુક્ત ગગનમાં વિહરવાદો, તેનું પોતાનું કંઈક જીવન છે, આવતા વેંત જ તેને બધી જ જવાબદારી ના સોપો તેને સમય અને પ્રેમ આપો, જો બન્ને તેને મળશે તો તે જરૂર શીખશે, અને તમારી અપેક્ષામાં ખરી ઉતરશે, પણ આવતાવેંત જ કોઈ જ ભલીવાર નથી કે આ તને નથી આવડતુ જેવા શબ્દો તેના અને તમારા બન્નેના ભવિષ્ય માટે ખોટા સાબિત થશે જ થશે, તે વહુ નહિ પણ દિકરી બનાવીને રાખો તે તમને માં બાપ જ માનશે.
દિકરી પોતાનું ઘર છોડીને આવે ત્યારે તેને હૂંફ, પ્રેમ અને સહકારની જરૂર હોય છે, તેમાં તમારા સાથ સહકારથી તેના ગૃહસ્થ જીવનમાં ચાર ચાંદ લાગશે જ . બની શકે દરેક વસ્તુથી તે પરિચિત ના પણ હોય, ત્યારે તમે શાંતિથી તેને સમજાવો, અને જમાનો બદલાય તેમ તમે પણ વિચારો બદલો રૂઢિચુસ્ત વલણ તમારો અને પરિવારનો વિકાસ અટકાવી દેશે, વસ્ત્રો, ખાનપાન, રહેણીકરણીમાં હવે પરિવર્તન આવ્યું છે તેનો સહજ સ્વીકાર કરો, જૂની પેઢી અને નવી પેઢીના અંતરના કારણે ક્યાંક તો વિરોધાભાસ થશે જ પરંતુ બન્ને પક્ષે મોટુ મન રાખી પરિવારને અતૂટ રાખો. પરિવારને ટકાવી રાખવા એકતા ખૂબ જ અગત્યનું પરિબળ છે,.. જો આ રીતે જીવવામાં આવે છે તો કોઈ નવોઢા દુઃખી નહિ થાય કોઈ માં બાપ દુઃખી નહિ થાય અને પરિવાર હસતો રમતો લીલોછમ રહેશે..
બાકી સ્ત્રી તો ક્યારે હારી નથી અને હારશે પણ નહિ.. સમર્પણ તો તેના ખોળામાં હંમેશા રમતું જ રહેશે..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.