ભગવાનને મળવા માટે ફક્ત ઇચ્છા જ નહી પણ તીવ્રતમ વ્યાકુળતા હોવી જરૂરી છે
જો કોઇ વ્યક્તિને તેના ગંભીર ગુનામાં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપી દીધા પછી રાષ્ટ્રપતિને દયા ની અરજી કરી શકાય છે. અને જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો કૃપા કરી એને માફી બક્ષી જીવતદાન પણ આપી શકે છે. પ્રભુ પણ કંઈ કઠોર દંડનાયક નથી. એ પ્રેમાળ પિતા છે. વત્સલમાતા છે. સહૃદય ભ્રાતા છે. સ્નેહમય સખા પણ છે. એમના કર્મના કાયદાની ઉપર છે, એમનો કૃપાનો કાયદો, કે જે કાયદા ને કોઈ જ નીતિનિયમ લાગુ પડતા નથી. જે કાયદાને કોઈપણ ભેદભાવ નથી. જેઓએ કાયદાના લાભને પાત્ર બને તેઓ કર્મના કાયદામાંથી મુક્તિ પણ મેળવી શકે અથવા તેની સજા હળવી પણ થઈ શકે. એવી જ રીતે પ્રભુને પણ દયાની અરજી કરવી પડે છે. અને તે તીવ્ર ભાવે કરવી પડે છે. ભૂતકાળની કરેલી ભૂલોના એક રાર અને તીવ્ર પશ્ચાતાપના આંસુઓથી અને નવા સુંદર જીવનની બાંહેધારી આપીએ અરજી કરવી પડે છે.
સાચા દિલથી પ્રભુને આજીજી કરવી પડે છે. જ્યાં સુધી તેઓ સાંભળે નહી ત્યાં સુધી સતત નિવેદન કરવું પડે છે. તે દ્વારા ભગવાનની કૃપાનું અવતરણ થાય છે અને એ કૃપા દ્વારા ગમે તેવું કુમાર્ગે ગયેલું જીવન પ્રભુના માર્ગે વળી શકે છે. ભગવાનની કૃપાનો કાયદો પાપીને સંત બનાવી શકે છે. ડાકુ અને લુંટારાને મહાત્મા બનાવી શકે છે. આથી કુમાર્ગે ગયેલું જીવન સદા કાળ કુમાર્ગે જ ચાલતું રહેશે, એવું નથી. જે ક્ષણે મનુષ્યને એવા હીન જીવન પ્રત્યે તિરસ્કાર જાગે અને તે એવા જીવનમાંથી મુક્ત થવા આતુરપણે પ્રભુને પોકાર કરે, એ જ ક્ષણે પ્રભુ એના માટે નવ જીવનનાં દ્વાર ખોલી આપે છે.
પછી તીવ્રતમ આંતરિક ઇચ્છાથી જેમ-જેમ તેનો પોકાર ઉત્કટ બને છે તેમ-તેમ કૃપાધારા વધુ ને વધુ વહે છે, અને એ વહેતી કૃપાધારામાં તેના ભૂતકાળના કુકર્મોનાં ફળ ધોવાતાં જાય છે. તેની આંતરિક શુદ્ધિ થવા લાગે છે. તેથી તેની વિવેકબુદ્ધિ જાગૃત થાય છે. સત્ય જીવનની ઝંખના વધુ ને વધુ તીવ્ર બનવા લાગે છે. તેમ-તેમ તે પ્રભુના માર્ગ વધુને વધુ આગળ વધે છે. પણ તેના પાયામાં રહેલી છે, આંતરિક ઇચ્છા.
જો વ્યક્તિની પોતાની આંતરિક ઇચ્છા ન હોય અને તે પ્રભુને ઉત્કટપણે પોકારે નહી તો પ્રભુ એમ ને એમ બોલાવ્યા વગર આવતા નથી. બહારનું વાતાવરણ ગમે તેટલું ભક્તિપ્રેરક હોય, સંતો અને મહાત્માઓ માર્ગદર્શન આપવા પણ તૈયાર હોય, પણ જો વ્યક્તિની પોતાની સાચી આંતરિક ઇચ્છા ન હોય, અને તે ખાલી દેખાવ પૂરતી ભગવાનની પૂજા-આરાધના કરતો હોય, તો કંઈ ભગવાનનો રસ્તો ખૂલતો નથી. ભગવાનને મળવા માટે ફક્ત ઇચ્છા જ નહી પણ તીવ્રતમ વ્યાકુળતા હોવી જરૂરી છે.
એવી વ્યાકુળતા કે એના વગર રહી જ ન શકાય. શ્રીરામકૃષ્ણ દેવ આ માટેનું ઉદાહરણ આપતા કહે છે કે બાળક રડે છે, ત્યારે મા એને રમકડાં આપે છે. તે તેનાથી રમવા લાગે છે. ફરી રડે છે તો મા તેને મિઠાઈને ચોકલેટ આપે છે. તેનાથી તે છાનુ રહી જાય છે. એટલે મા તેને એકલું રમવા દઈને કામે વળગી જાય છે. પણ પછી બાળક એવું રડે છે કે તે રમકડાં કે ચોકલેટ કશાયથી છાનુ રહેતું નથી. બસ તેને તો મા જ જોઈએ છે. જ્યાં સુધી મા તેને તેડતી નથી ત્યાં સુધી તે ૨યા જ કરે છે. ત્યારે મા તેને તેડીને વહાલ કરવા લાગે છે. ભગવાન પણ મનુષ્યની જ્યાં સુધી એના માટેની આવી વ્યાકુળતા થતી નથી, ત્યાં સુધી રમકડાં-ચોકલેટ પીપરમીટ વગેરે આપીને મનુષ્યને ભૂલાવામાં નાંખી દે છે, તેઓ પોતે આવતા નથી.
પણ જ્યારે મનુષ્ય આ બધાં રમકડાં-સિદ્ધિઓ-વૈભવ બધું ફેંકીને બસ ભગવાનને માટે તીવ્ર પણે રૂદન કરવા લાગે છે, ત્યારે તેઓ આવે છે. પણ પછી જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી આ પોકાર, આ વ્યાકુળતા સતત રહેવી જોઈએ. શ્રી અરવિન્દ આવી ઉત્કટ ઇચ્છાને અભીપ્સા કહે છે. તેમના ‘મા’ પુસ્તકમાં તેઓ કહે છે કે ભગવાનના સાક્ષાત્કાર માટે બે વસ્તુ જરૂરી છેઃ એક તો માનવના અંતરમાંથી ઊઠતી અભીપ્સા અને બીજી છે, અભીપ્સના પ્રત્યુત્તરમાં ઊતરી આવતી ભગવાનની કરૂણા આ બેનો સંયોગ સાક્ષાત્કારના માર્ગને એકદમ સરળ બનાવી દે છે. પરંતુ આ અભીપ્સા સતત, એકધારી, સ્થિર અને પ્રભુ પ્રત્યે ઊંચે ને ઊંચે જતી હોવી જોઈએ. જ્યાં સુધી આ અભીપ્સાનો પ્રત્યુત્તર કૃપા રૂપે ન મળે, ત્યાં સુધી પોકાર કરતા રહેવાથી, પ્રભુની કૃપા અવશ્ય મળે છે. એ કૃપાથી પ્રભુનો માર્ગ ખુલ્લો જ નહી પણ સ્પષ્ટ બને છે.
એક વાર્તા જોઈએ. એક શેઠે મોટો ભોજન સમારંભ યોજ્યો હતો અને ઘણાં આમંત્રણ આપ્યાં હતાં. ભોજનના સમયે તેણે પોતાના નોકર મારફતે કહેવરાવ્યું કે ‘પધારો ભોજન તૈયાર છે.પણ એક પછી એક બધા જ બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ કહ્યું, ‘મેં એક ફ્લેટ ખરીધ્યો છે અને મારે તે જોવા જવું પડે તેમ છે, એટલે મને માફ કરજો. બીજાએ કહ્યું,’મેં એક ગાડી ખરીદી છે તેની કંડીશન જોવા જાઉં છું, એટલે મને માફ કરજો. વળી, બીજા એકે કહ્યું, ‘હમણાં જ મારાં લગ્ન થયાં છે એટલે આવી શકું તેમ નથી.
નોકરે પાછા આવી બધી વાત શેઠ ને કહી. ત્યારે તેમને ગુસ્સો ચડયો અને તેણે નોકરને કહ્યું, ‘એક દમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને, લૂલાં લંગડાંઓને અને આંધળાઓને અહી લઈ આવ. નોકરે કહ્યું, સાહેબ, તમારી આજ્ઞા પ્રમાણે કર્યું છે, છતાં હજી જ્ગ્યા ખાલી રહે છે. ત્યારે શેઠે નોકરને કહ્યું, રસ્તાઓ અને નેળિયામાં જઈને લોકોને ખેંચી લાવ કે જેથી મારૂ ઘર ભરાઈ જાય.
હું તમને કહું છું કે, મેં જે મને આમંત્રણ આપેલાં છે તેમાંનો એક પણ મારૂ ભોજન ચાખવા પામવાનો નથી “આમાં માલિક પોતાના નોકરોને જે હુકમ આપે છે તે આપણને વિચિત્રને માન્યામાં ન આવે તેવો લાગે છે. માલિક પોતાના નોકરોને શેરીઓ માં ભટક્તાં નાગાંપૂગાંને ગરીબ-ગરબાંને મિજબાનીમાં તેડી લાવવા જણાવે છે. ઈશ્વર આપણી સાથે આવો જ વ્યવહાર કરે છે. એ તમારા ધ્યાનમાં આવ્યું કે ? હું તો ઈશ્વરના ઉંબરે પગ મૂકવા પણ લાયક નથી. પણ ઈશ્વરની રહેમનો પાર નથી. એ મને કાદવમાં આળોટતા મેલાઘેલા મને પોતાની મિજ બાનીમાં તેડી જાય છે ને મારી સર ભરા કરે છે.
મેં તો પાપો કરીને ઈશ્વર જોડે દુશ્મનાવટ બાંધી હતી હુંતો લૂલાં-લંગડાંને આંધળા કરતાંય લાચાર બની ગયો હતો. મારાં પાપે મને શબવતૂ બનાવી દીધો હતો. ઈશ્વરના પ્રેમ પૂરતો તો હું મર્યો-પરવાર્યો હતો. આવા શબ સમાન બનેલા માણસને માટે કશી આશા ક્યાંથી ? ઈશ્વર જ એને બેઠો કરે તો એ બેઠો થાય ઈશ્વરની દયા હોય તો જ એ નવેસરથી જિંદગી જીવતો થાય. ધર્મશાસ્ત્ર આ જ વાત આપણને કહે છેઃ વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજે જુલાઈ માસનો અંતિમ દિવસ છે. હવે કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા વરસાદી વાવડ છે. અષાઢ માસ ઉતરતા મેઘરાજાએ મહેર કરી છે ત્યારે તેમની પૂજા અર્ચના કરી આભાર વ્યક્ત કરીએ. અસ્તુ યશપાલસિંહ.ટી.વાઘેલા, થરા