કોરોનાના વિશિષ્ટ થીમ પર આલેખાયેલી એકલતા અને ઉપેક્ષાની વ્યથા-કથા : ‘કોરોના કાણ્ડ’
કોરોના મહામારીને લીધે વિશ્વભરમાં અનેક રીતે માણસો દુઃખી થઈ રહ્યા છે.એમાં સપડાયેલા ઘણા યોગ્ય સારવાર પામે છે ને સાજા થઈને ઓછા આવે છે.સાજા નથી થતા એવા જીવનનો અંત આવે છે.મૃત્યુ દુઃખદ ઘટના હોવા છતાં એમાં એક રીતે દર્દી કષ્ટમુકત થાય છે. એવું જ કંઈક માનવામાં આવે છે.એ સિવાય મોટા ભાગના લોકો કોરોનાના ભયમાં જીવી રહ્યા છે અને એ સ્થિતિ સૌથી ભયંકર છે.વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોનાની મહામારી વ્યક્તિગત સંબંધોને પણ કેવી કારમી માનસિક અસર પહોંચાડે છે તેની અદ્રશ્ય વેદનાની કથાની વાત કરવી છે. ‘કોરોના કાણ્ડ’ આપણા લબ્ધપ્રતિષ્ઠીત લેખક ડૉ. કેશુભાઈ દેસાઈ દ્વારા તાજેતરમાં લખાયેલી લઘુનવલ છે લેખક પોતે પણ જયારે ડૉકટર હોય ત્યારે સામાન્ય રીતે વિચિત્ર અને એબસ્ટ્રેક લગતી ઘટનાઓ પણ વ્યક્તિની ઉંમર,પરીસ્થિતિ અને મનઃસ્થિતિના અભ્યાસને કારણે નિરૂપી શકે છે.આવી વૈશ્વિક મહામારીના સમયમાં એક અનોખા પ્રણયને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ કથા મન પર ઘેરી વેદનાનો એક અદ્રશ્ય લીસોટો મુકી જાય છે એમ આપણા જાણીતા કવિ માધવ રામાનુજે તેમની પ્રસ્તાવનામાં કહ્યું છે.
કોરોના કાણ્ડની આ કથામાં જેસીંગ સ્વીટુના પાત્રો વચ્ચે લેખકે એવો ઉલ્લેખ કર્યો છે.જેમાં જીવન, શ્વાસ અને મન સાથેના આપણાં સગપણના સંધાન-અનુસંધાન પ્રગટ થતાં રહે છે.
નવલકથાનો નાયક જેસંગ સંપૂર્ણપણે કલ્પીત પાત્ર છે એમ લેખક પોતાના આત્મ નિવેદનમાં જણાવે છે પરંતુ એ કલ્પનામૂર્તિ લેખકે ખુદ પોતાના પ્રતિબિંબમાંથી કંડારી હોય તેવું તેમને જાણવા અને ઓળખતા લોકોને લાગ્યા વિના રહેશે નહીં.કેમ કે કોરોનાએ ફરજીયાત ઘરમાં પૂરી દીધેલા માનવીની મનોદશા કેવી હોય ?એમાં પણ જયારે તે સાવ એકલો હોય, અપરિણીત હોય અને ઉંમરે પહોંચેલો હોય,જીંદગીનો ઉત્તરાર્ધ અતીતની સ્મૃતિઓના સહારે વેંઢારી રહ્યો હોય ત્યાં ઓચિંતુ જ એક રાત્રે ‘લોકડાઉન’ અમલમાં આવી જાય ત્યારે તો તેને વગર વાંકે ‘કાળાપાણીની સજા’ થઈ હોય તેવું લાગે.
કથાના આરંભે કથાનાયક બસની રાહ જાેતો ઉભો છે ત્યાંથી આ કથા વ્યથા આરંભાય છે ત્યારે લેખક વાચકના ચિત્રમાં પ્રતીક્ષાનો ભાવ જગાડે છે, પ્રતિક્ષા અને મનોમંથન,જેસીંગજીના મનમાં એક સાથે તે વર્તમાન અને સ્મરણોમાં વ્યસ્ત રહે છે જેને મળવાનું છે જેની સાથે એક જ ઘરમાં પુરા બે મહિના વીતાવવાના હોય છે તેની સાથે વીતેલા બાળપણના સંભારણામાંથી આ લઘુનવલ રળિયામણી બની છે. વળી કોરોનાની મહામારીના એક સંકેત તરીકે જ વિદેશથી આવતા સ્વજનનું પાત્ર રચાયું છે એની સ્થિતિ અને સ્મરણોની મધુર છતાં વેદનાપૂર્ણ ગુંથણી લેખકે સુંદર રીતે કરી છે. અહીં કોરોનાના અદ્રશ્ય વિષાણુ આગળ માણસ, સંબંધો અને વ્યવહાર બધું કેવું ઓશિયાળું અને માણસ કેવો લાચાર બની રહ્યો છે તે વાત આ સમયમાંથી પસાર થનાર દરેક માણસને પોતીકી લાગે તેમ છે.એ રીતે આ આ મહામારીના મુળ સુધી જવાનો સંકેત આપી આ જીવલેણ સંકટની હયાતીમાં આખી કથા આલેખે છે.
કથાના સમય દરમ્યાન રોજે રોજ બનતી ઘટનાઓ, એના સમાચારો એ અંગેની વ્યવસ્થા, સાવધાની, બેદરકારીએ બધું જ વિદ્યવિદ્ય રૂપે અહીં લેખકે મુકયું છે. એમાં એકલો રહેતો એક યુવાવૃદ્ધ,એના પાડોશીઓ એની સોસાયટી,એનું નગર,એનું મનોમંથન, એની ભુલો,એને વિશે બીજાઓના મનમાં ચાલતા ને પ્રગટ થતા વિચારો,વાસ્તવિકતાની અસર ઉભી કરે એ રીતે જીવનની ઘણી બધી વ્યથા કથા અહીં આલેખાઈ છે.
જેસંગ ચૌધરી એકલતાને જીરવીને જીવ્યા છે.કપરા વિરહમાં માનસિક સમતોલન જાળવતું એ પાત્ર આખરે પરિસ્થિતિ સામે હારી જાય છે અને અનાયાસ સ્વસ્થતા ગુમાવી છે.કથા નાયકની વૃદ્ધાવસ્થા, એકલતા અને વિરહની સ્થિતિ કથાને અંત તરફ લઈ જવામાં ઉપકારક બની છે તેમ છતાં ઘરમાંથી નાસીગયેલા સુધીરભાઈની દિકરી,આત્મીયતાની લાગણી વહેંચવા ઈચ્છતાં પાડોશી જશોદાબેન અને જેસીંગના મનમાં મ્હોરી રહેલી સ્વીટુનો સહવાસ નવલકથાને આગળ વધવાની શકયતાનો અણસાર આપે છે.
આ નવલકથા વિશિષ્ટ થીમ પર આલેખાયેલી એકલતા અને ઉપેક્ષાની વ્યથા કથા છે.જેને આટલી સુંદર રીતે આલેખવા બદલ લેખકને અભિનંદું છું અને નવલકથાને આવકારૂં છુ.