મુગ્ધભાવે સંવેદનાની કેડીએ થયેલું વાર્તાઓનું સર્જન
વાર્તા કથન એ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું તત્વ છે. બચપણમાં દાદીમા બાળકોને ભેગાં કરીને વાર્તા કહેતાં એ વાત હવે કદાચ ભુલાઈ રહી છે ત્યારે માનવમનમાં ઉઠતી સંવેદનાઓ, ઘટનાઓ કોઈને કોઈ રૂપે અભિવયક્તિ કરતાં લોકો પાસેથી આપને ઘણી બધી વાતો સાંભળવા મળે, જાણવા મળે તેમજ ઘણી એવી ઘટનાઓ જીવનમાં બને જેને આપણે ખુદ અનુભવીએ તે બધું કોઈને કહેવાનું કયારેય ને કયારેક મન થાય તેની અભિવ્યક્તિમાંથીવાર્તાનું સ્વરૂપ મળે છે.
આવું જ ભાઈ મનહર ક્ષત્રિયની બાબતમાં પણ બન્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઉછરીને મોટા ંથયેલાં મનહરભાઈ ગામડાના તળાવના પાણીના નહાવા પડે અને પાણીમાં મારેલી થપાટને લીધે માછલીઓ બહાર ફંગોળાઈ જાય તે તરફડતી માછલીઓને જાેઈ દયા આવે એટલે તેને ફરીથી પાણીમાં મુકી દે. કયારેક રાત્રીના અંધકારમાં ઝગમગતા આગીયાની પાછળ દોટ મુકે અને તેમાંથી તેની સૌંદર્ય દ્રષ્ટી ખીલે તે જ્યારે સંવેદનાઓને કાગળ પર ઉતારે ત્યારે એ સર્જન આપણને મળે તે વાર્તાઓ કેવી હોય ? તેનો જવાબ છે કેડી સંગ્રહની વાર્તાઓ.
કોઈપણ લેખકને તેની આંગળી પકડનાર કોઈક જાેઈએ મનહરભાઈની બાબતમાં પણ એવું જ બન્યું છે.જ્ઞાતિના મુખપત્ર ક્ષત્રીય સમાજસેતુ એ તેમની આંગળી પકડી જેથી તેમના કેટલાંક ચિંતનાત્મક અને પ્રગતિશીલ શિક્ષણ અંગેના લેખો તેમાં છપાયા તેણે તેમની કલમને વાર્તાઓની રચના માટે આંતરિક બળ પુરૂં પાડયું અને તેમની કલમથી એક પછી વાર્તાઓ સર્જાતી ગઈ.તેમણે એક બાજુ સમાજ અને બીજી બાજુ ભ્રષ્ટાચાર એમ બે પૈડાં વચ્ચે પીસાતાં દાણાની જેમ પિસાતી વિધવા નારીની વ્યથાને સૌ પ્રથમ વાર પલાંટ શીર્ષકની વાર્તારૂપે અવતારી ત્યાંથી વાર્તાકાર તરીકે તેમની ગતી શરૂ થઈ છે.
કેડી વાર્તા સંગ્રહની પહેલી વાર્તા અંધેરી નગરી છે .તેમાં એક રહસ્ય સાથે વાર્તા આરંભાય છે.તેમાં એક રહસ્ય સાથે વાર્તા આરંભાય છે. ભલા વાઘરીની છોકરી ભુરી કુંવારી મા બની પણ તેનો પિતા કોણ ? ગામમાં બધી જ કોમના માણસો છે. અહીં લેખકે લોકજીવનનું નિરૂપણ કર્યુેં છે. વાર્તાકારને શહેરી સંસ્કૃતિ પ્રત્યે સુગ છે તે દેખાઈ આવે છે. ગામડાને તેઓ રંગદર્શી રજુ કરે છે. તેથી અહીં તેઓ વાસ્તવના ધરાતલ ઉપર પગ રાખીને સાચુકલી વાર્તા માંડવાની કેડી ભણી આગળ વધતા આપણને જણાય છે. વાર્તાને અંતે ચંદ્રિકાનો સવાલ પીડીત સમાજનો સવાલ બની રહે છે. ખેની ખેંગાર વાર્તાનું શીર્ષક વાંચતા કોઈ રહસ્ય કથાનું સ્મરણ થાય. આ વાર્તાઓનું વાતાવરણ ગામડાનું છે. સુંદર સ્ત્રીના પતિઓ કયારેક શંકાશીલ બનવામાં ઉતાવળ કરી નાખે છે. અહી પણ ખેંગાર પત્ની અને તેના પ્રેમીનું ખુન કર્યા પછી ભાંગી પડે છે. કારણ કે પ્રેમ અને નફરતના ભેળસેળીયા ભાવોને જુદા પાડી શકવાની ક્ષમતા માણસોમાં ભાગ્યે જ હોય છે.
ભગવાન હજીયે અવતરે છે માં લેખક ટીવી શ્રેણીઓનાં શરણે થઈ એક પ્રસંગ કથા આપીને સંતોષ ાન્યો છે જેમાં પતિના સમર્પણની વાત રજુ કરવાની લેખકની મથામણ છે.
કેડી વાર્તાસંગ્રહની વાર્તાઓ વિશે તેની પ્રસ્તાવનામાં કલ્શ પટેલે વાર્તાઓનું ઘટના વૈવિધ્ય ખાસ ધ્યાન પર આવ્યું છે. તેણી કહે છે કે લેખક પાસે વર્ણનશક્તિ સારી છે તેમજ સંવાદ કથાની ફાવટ પણ પ્રમાણમાં સારી છે. તેથી જ કેટલીક વાર્તાઓના પ્રારંભમાં તેમણે સર્જનાત્મકતાના ચમકારા દેખાડયા છે. જેમ કે હેમંત ઋતુનો સમય હતો. ભલભલા માનવીનાં હૃદયને થીજવી દે તેવો સુસવાટ કરતો વાયુ પશ્ચિમ દિશાથી વાઈ રહ્યો હતો. એકાદ વાર્તામાં ખેતરનું પ્રકૃતિ વર્ણન પણ ધ્યાન ખેંચનારૂં બન્યું છે. તે તેમનું જમા પાસું છે.
જેના શીર્ષક પરથી વાર્તાસંગ્રહનું નામ અપાયું છે. કેડી વાર્તાનો નાયક શિક્ષક છે. એની સગાઈ નીલા સાથે થઈ છે. એને લઈને ફરવા પણ જઈ આવ્યો છે પણ એકાએક નીલા ઘર છોડીને ચાલી જાય છે. નાયક કીશોરના અરમાનો નષ્ટ થઈ જાય છે નીલાનું એકાએક ચાલ્યા જવાનું રહસ્ય છેક સુધી અકબંધ રહે છે. કેડીની જેમ બારી વાર્તા પણ યૌવનના ભાવાવેશને વિષય બનાવે છે. વતનથી દુર નોકરી કરી રહેલો દીપ , સમુ નામની યુવતીના પ્રેમમાં પડે છે. પણ બેઉની જ્ઞાતિ અને ધર્મ જુદા હોઈ લગ્ન શકય નથી, વેકેશન પડવાનું છે એ દિવસે સમુ દીપકને એક ચીઠ્ઠી લખીને સચ્ચાઈનો સ્વીકાર કરવા સમજાવે છે.
અર્થ વાર્તા લેખકની ક્ષમતાના તિખારો બતાવે છે પણ આ વિષય વસ્તુ અનેક વખત અનેક સ્વરૂપે વાંચકો સમક્ષ આવી ગયેલું છે. ગામડામાંથી શહેરમાં આવી સ્થાયી થયેલો સુવાસ પત્ની ખુશ્બુ સાથે સ્વકેન્દ્રી જીવન જીવે છે. તે એટલે સુધી કે ગામડાના પરિવારની સ્વેચ્છાએ દુરી વધારતો જાય છે. તેમ કરવામાં તેની પત્ની ખુશ્બુ નિમિત્ત બની છે. કારણ કે હરવું, ફરવું, ખાવુ ંપીવું, મોજ મજા કરવી એ એના જીવનની ઈતિશ્રી છે. પણ ખુશ્બુ એક એવા રવિવારે ગામડે જવાનું કહે છે સુવાસ એથી તો રાજી થાય છે પણ એનો રાજીપો ઝાઝો ટકતો નથી. કારણ કે ખુશ્બુના ગામડે જવાનો હેતુ સ્વાર્થ પ્રેરીત છે. ગામની મિલકતનો અડધોઅડધ ભાગ એ અંકે કરી લેવા માટે છે. વાર્તાન્તે ખુશ્બુમાં આવતું પરિવર્તન સર્જકનો અભિગમ સ્પુટ કરે છે.
હકીકત વાર્તામાં આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને છેડવાની કોશીશ લેખકે કરી છે. લેખકનો આ પ્રથમ સંગ્રહ છે. તેમાં બાર જેટી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના વાર્તા સંગ્રહને ઉત્સાહભેર પ્રકાશીત કરનાર અરવલ્લી અને પ્રકાશનના ડૉ. સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્ય અને લેખકનો પરીચય કરાવનાર પ્રતાપસિંહ રાઠોડ સારસ્વત તેમને પ્રોત્સાહન પુરૂં પાડનાર અનેક મિત્રો અને શુભેચ્છકોનો તેમને આભાર વ્યકત કર્યો છે.
પ્રાંતીજ તાલુકાના મેમદપુરના વતની ભાઈ મનહર ક્ષત્રિય ખેડૂત પરિવારમાંથી આવે છે. હાલમાં તેઓ પિલવાઈની એસ.એન.ડી.ટી.કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. જુદા જુદા સાહિત્ય સ્વરૂપો પર હાથ અજમાવી રહેલાં મનહરભાઈ માતાનું ઘર અનોખો સ્મૃતિ ચિત્રો દ્વારા વિવેચકોનું ધ્યાન ખેંચવા માંગ્યા છે તેમની કેડીને આવકારતાં આનંદ અને ખુશીની લાગણી અનુભવાય છે.