પિતા વિશેના સંવેદનશીલ સંવાદોનો અક્ષરદેહ : પ્રણામ..પપ્પા…!
ગતાંકથી ચાલુ
એ જ રીતે પિતાની છત્રછાયા ગુમાવનાર કુટુંબમાં માતાને બંને જવાબદારી હરખભેર નિભાવતાં જાેવા મળે છે.તો વળી કલાકારોમાં ગુરુનું સ્થાન પિતા સમાજ હોય છે તેથી આવી વ્યક્તિઓનો પણ સંપાદકે સભાનતા પૂર્વક સમાવેશ કર્યો છે.કુટુંબ રથનાં બે પૈડાં એ માતા અને પિતા જ છે તેથી દરેક લેખમાં પપ્પા સાથે મમ્મીનું નામ આવી જાય છે.
આ પુસ્તકમાં જે વિભૂતિઓને સમાવવામાં આવ્યા છે તેમનું નામ માત્ર તમને આ પુસ્તક વાંચવા પ્રેરે તેવું છે.તેમાંથી કેટલાંક મહત્વપૂર્ણ અને ખુબ જાણીતી વ્યક્તિઓની વાત કરૂં તો અહીં અનુપ જલોટાએ પિતાને એક સંગીતસંત તરીકે જાેયા છે.અમિતાભ બચ્ચન તેના કવિ પિતા હરિવંશરાનય બચ્ચન માટે ત્યાં સુધી કહે છે કે બાબુજી મારી જીંદગી છે તે ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, આશાપારેખ,કુમારપાળ દેસાઈ, જય નારાયણ વ્યાસ, પંડીત જશરાજ, તુષાર શુકલ, ધીરૂબહેન પટેલ,ડો.પંકજ શાહ, બેજાન દારૂવાલા, મોરારી બાપુ, લતા મંગેશકર, રઘુવીર ચૌધરી, વિજય રૂપાણી, શ્રેયાંસ શાહ, સિદ્ધાર્થ રાનંદેરિયા, સંજીવકપુર, સુરેશ વાડકર, હેમંત ચૌહાણ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત મહાનુભાવોએ તેમનાં પિતા અંગે જે લાગણીસભર રીતે વાત કરી છે તે વાંચતાં તમને પણ તમારા પિતાની યાદ અને સંસ્મરણો તાજાં થઈ જાય તો તે આ સંપાદનની સફળતા જ ગણાય.વળી અહીં કોઈ એક ક્ષેત્રના વ્યક્તિઓને જ સમાવ્યા હોય એવું નથી.સંગીતકાર, ગાયક, અભિનેતા, રાજનેતા, લેખકો, ખેલાડીઓ, વેપારીઓ, ડૉકટરો, પત્રકારો, સંતો વિગેરેને સમાવી આ ગ્રંથ એક યાદગાર સંભારણું બની જાય તે બરનો બન્યો છે.
પ્રણામ..પપ્પા…! પુસ્તકમાં સામગ્રી પુરી પાડી સંપાદન કાર્યને સહેલું કરી આપનાર ડૉ.બિંદુ ત્રિવેદી કાર્યક્રમ અધિકારી અને કેન્દ્ર નિયામક તરીકે દૂરદર્શન અને આકાશવાણીમાં ૩૧ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમને રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ સન્માનો પ્રાપ્ત થયાં છે.સંગીત ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કાર અને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ઈમેજ વેલ્ફેર એચીવર્સ ઈન્સ્ટીટયુટ મુંબઈ તરફથી પણ સન્માન પ્રાપ્ત થયેલ છે.
આ પુસ્તકમાં પિતૃતર્પણ શીર્ષકથી પોતાની વાત ખુબ સરસ રીતે મુકી આપી છે. તેવા દધિચિ અરવિંદભાઈ ઠાકરેનો આ સંપાદન કાર્ય દરમ્યાન અંગત દ્રષ્ટીકોણ બદલાતાં તેમણે પિતૃ મહીમા સાથે શાસ્ત્રોમાં રહેલ પિતાની વાત પણ અહીં મૂકી આપી છે.
દધિચિ ઠાકર યુવા લેખક, પત્રકાર અને નાટયકાર છે.તેથી વાંચન, લેખન અને નાટય મંચનનો તેમને મહાવરો છે. તેમનો આ સંપાદન માટેનો પ્રેમ અને પરિશ્રમ આપણને ઠેર ઠેર દેખાઈ આવે છે.તે માટે તેમણે અથાક મહેનત કરી સંપર્કો, પત્રવ્યવહાર અને મુલાકાતો કરી આ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને રસપ્રદ અને સરળ રીતે મુકી આપી છે.પુસ્તક લખવું કદાચ સરળ હોય પણ સંપાદન અઘરૂં છે.એમાં વળી મુલાકાત લઈ સંવાદ સાધી સંપાદનનું પુસ્તક તૈયાર કરવું તે એક પડકાર સમાન છે.બિંદુબહેન અને દધીચી ઠાકરની સંપાદક જાેડીએ આ પડકારને સુપેરે ઝીલ્યો છે તે ખુબ આનંદ અને ખુશીની વાત છે.પિતા કે પપ્પા વિશે ઘણું ઓછું લખાયું છે તેમાં પણ મુલાકાત, સંપાદનો, પરિશ્રમ કોઈએ ભાગ્યે જ કર્યો હશે.
અહીં આપણને અનેક ક્ષેત્રોના ટોચના વ્યક્તિઓની પિતામીમાંસા ભાવવાહી રૂપે પ્રાપ્ત થઈ છે. તેના માટે પુસ્તકના પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદના મનુભાઈ શાહનું યોગદાન પણ કંઈ નાનું સુનું નથી. આવું સરસ દળદાર અને થતા ખુબ જ ચીવટપૂર્વક પુસ્તક સમાજ સમક્ષ મુકનાર સૌ કોઈ અભિનંદનના અધિકારી છે.તેમના આ સંપાદનને આવકારૂં છું અને અભિનંદું છું.
પ્રણામ..પપ્પા…! પિતા અંગેના સંવેદનશીલ સંવાદનો અક્ષરદેહ
કિં.રૂા.પપ૦